ઉજ્જૈનમાં બાબા મહાકાલને કોણ બાંધશે રાખડી? સવા લાખ લાડુઓનો ભોગ ધરાવાશે
- ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પણ શ્રાવણનો પ્રારંભ થતા જ ભક્તોનો જમાવડો શરૂ થઈ જાય છે અને દરરોજ લાખો ભક્તો બાબા મહાકાલના દર્શન કરવા આવે છે
HD ન્યુઝ ડેસ્કઃ ભગવાન ભોલેનાથને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. આ પવિત્ર મહિનામાં દેશભરના પ્રખ્યાત મંદિરો અને શિવ મંદિરોમાં ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પણ શ્રાવણનો પ્રારંભ થતા જ ભક્તોનો જમાવડો શરૂ થઈ જાય છે અને દરરોજ લાખો ભક્તો બાબા મહાકાલના દર્શન કરવા આવે છે. આ મહિનામાં જ ભાઈ અને બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવવામાં આવે છે.
રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ 2024ના રોજ છે. મહાકાલેશ્વર મંદિરમાં પણ રક્ષાબંધન ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગુજરાત સિવાય દેશભરમાં શ્રાવણ મહિનો પંદર દિવસ વહેલો શરૂ થાય છે. તેથી ઉજૈજનમાં આ વર્ષે રક્ષાબંધનના દિવસે શ્રાવણનો છેલ્લો સોમવાર હશે. આ દિવસે બાબા મહાકાલની સવારીનું ભવ્ય આયોજન પણ કરવામાં આવશે. મહાકાલેશ્વર મંદિરમાં રક્ષાબંધન પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
બાબા મહાકાલને બાંધવામાં આવશે રાખડી
ઉજ્જૈન શહેરમાં આ વર્ષે રક્ષાબંધનનો દિવસ ખૂબ જ ખાસ હશે, કેમકે ત્યાં તે દિવસે શ્રાવણનો છેલ્લો સોમવાર હશે અને રક્ષાબંધનની સાથે સાથે શ્રાવણ મહિનો પણ સમાપ્ત થશે. આ તહેવારને ભવ્ય બનાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 19 ઓગસ્ટે પૂજારી પરિવારની મહિલાઓ ભસ્મ આરતી પહેલા બ્રહ્મ મુહૂર્તમાં મહાકાલ બાબાને રાખડી બાંધશે. શ્રાવણ મહિનામાં જે પૂજારીઓ બાબાની ભસ્મ આરતી કરે છે, તે જ પરિવારની મહિલાઓ બાબા મહાકાલ માટે ખાસ રાખડી બનાવે છે અને રક્ષાબંધનના અવસરે બાબાને બાંધે છે.
મહાકાલ બાબાને લગાવાશે મહાભોગ
આ દિવસે મહાકાલ બાબાની ભસ્મ આરતી કરનાર પુજારી પરિવાર મહાકાલને 1.25 લાખ લાડુનો મહાભોગ અર્પણ કરે છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે મહાકાલને 1.25 લાખ લાડુ ચઢાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. મંદિરના 16 પુજારી પરિવારોમાંથી જેઓ શ્રાવણમાં ભસ્મ આરતી કરે છે તેઓ આ પરંપરાને અનુસરે છે.
મહાકાલ દિવ્ય સ્વરૂપમાં આપશે દર્શન
આ દિવસે ભસ્મ આરતીમાં મહાકાલ બાબાને સોના-ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવશે. સૌ પ્રથમ મહાકાલેશ્વર બાબાને પંચામૃત અને ફળોના રસનો અભિષેક કરવામાં આવશે. મહાકાલના શણગાર બાદ પૂજારી પરિવારની મહિલાઓ સૌ પ્રથમ બાબાને રાખડી બાંધશે અને સાંજે 4 વાગ્યે મહાકાલ બાબાની સવારી નીકળશે.
આ પણ વાંચોઃ શનિ-સૂર્ય મળીને આ રાશિઓની લાઈફમાં મચાવશે હલચલ, જાણો કોના માટે શુભ?