અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોએ દર્શન કરવા AMTSની સામાન્ય ચાર્જ સાથે સેવા શરૂ
- એક બસમાં 40 લોકોને નવ કલાક માટે બસ પૂરી પડાશે
- AMTSની ધાર્મિક સેવા માત્ર રૂ.75માં સાતથી આઠ મંદિરોમાં દર્શન કરાવશે
- તારીખ મુજબ નક્કી કરેલા સ્થળ પર બસ લેવા-મૂકવાની સુવિધા આપશે
અમદાવાદમાં પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોએ દર્શન કરવા AMTSની સામાન્ય ચાર્જ સાથે સેવા શરૂ થઇ છે. જેમાં AMTSની ધાર્મિક સેવા માત્ર રૂ.75માં સાતથી આઠ મંદિરોમાં દર્શન કરાવશે. તેમજ માત્ર ત્રણ હજારમાં બસ ભાડે મળશે, એક બસમાં 40 લોકો દર્શન કરવા જઈ શકશે. તારીખ મુજબ નક્કી કરેલા સ્થળ પર બસ લેવા-મૂકવાની સુવિધા આપશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે સાર્વત્રિક મેઘની આગાહી, જાણો કયા શહેરમાં થશે ધોધમાર વરસાદ
અમદાવાદ બહાર રહેતા લોકો માટે રૂપિયા 5,000 ભાડું નક્કી કરાયું
છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી શ્રાવણ માસમાં સામાન્ય દરથી બસ સેવા ચલાવાઈ રહી છે. આજ એટલે કે સોમવારથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ મહિનામાં શહેરના ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે AMTS દ્વારા ફરી વખત સામાન્ય ચાર્જ સાથે સેવા શરૂ કરાઈ છે. છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી શ્રાવણ માસમાં સામાન્ય દરથી બસ સેવા ચલાવાઈ રહી છે. આ વખતે પણ ધાર્મિક મહિનામાં બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. શહેરના કોઈ પણ ખૂણે રહેતો નાગરિક શ્રાવણ મહિનામાં મંદિરોના દર્શનાર્થે બસ નોંધાવી શકશે. એક બસમાં 40 લોકોને નવ કલાક માટે બસ પૂરી પડાશે. જેનું રૂપિયા 3,000 ભાડું રહેશે. આમ વ્યક્તિ દીઠ 75 રૂપિયા ભરવાના રહેશે. ભાડાની રકમ એડવાન્સ જમા કરાવાની રહેશે. તારીખ મુજબ નક્કી કરેલા સ્થળ પર બસ મોકલવામાં આવશે. અમદાવાદ બહાર રહેતા લોકો માટે રૂપિયા 5,000 ભાડું નક્કી કરાયું છે.
જાણો કયા મંદિરોમાં દર્શન કરવાનો લાભ મળશે
ભદ્રકાળી, જગન્નાથ મંદિર, સોમનાથ મહાદેવ(ગ્યાસપુર), લાંભામંદિર, કર્ણમુક્તેશ્વર મહાદેવ, ચકુડિયા મહાદેવ, નીલકંઠ મહાદેવ (અસારવા), કેમ્પ હનુમાન મંદિર, મહાકાળી મંદિર (દૂધેશ્વર), અક્ષરપુરુષોતમ મંદિર, ત્રિ-મંદિર, વિશ્વ ઉમિયા ધામ(જાસપુર), વૈષ્ણવદેવી મંદિર, તિરુપતિ બાલાજી, સોલા ભાગવત વિદ્યાપીઠ, હરેકૃષ્ણ મંદિર (ભાડજ), ગુરુદ્વાર ગોવિંદધામ, પરમેશ્વર મહાદેવ, ઇસ્કોન મંદિર અને જલારામ મંદિરે દર્શન કરાવાશે.
AMTS પોતે મંદિરોની યાદી નક્કી કરી અપાશે
બસની નોંધણી કરાવવા માટે લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણિનગર ટર્મિનસ પર ભાડાંની નક્કી કરાયેલી રકમ એડવાન્સ ભરવાની રહેશે. રકમ ભરાયા પછી નક્કી કરેલી તારીખે સવારે 8 વાગે સ્થળ પર બસ પહોંચી જશે. ગ્રુપ દ્વારા નક્કી કરાયેલા મંદિરોમાં સાંજના 5.00 વાગ્યા સુધી બસ ફરશે. ગ્રૂપ દ્વારા મંદિરો નક્કી કરવામાં મુંઝવણ હશે તો AMTS પોતે મંદિરોની યાદી નક્કી કરી અપાશે. બસના ભાડા સિવાય અન્ય કોઇ રકમ આપવાની નહીં રહે.