અમદાવાદ: લાંચ લેતા ઝડપાયેલા હર્ષદ ભોજકના સેન્ટ્રલ બેંકના લોકરમાંથી 30 લાખના સોનાના બિસ્કિટ મળ્યા
- હર્ષદ ભોજક રૂપિયા 20 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો હતો
- બેંકના લોકરમાંથી ચાંદીના ચોરસા પણ મળ્યા છે
- ફલેટમાંથી વધુ રૂપિયા 73 લાખ રોકડા મળી આવ્યા હતા
અમદાવાદમાં લાંચ લેતા ઝડપાયેલા હર્ષદ ભોજકના સેન્ટ્રલ બેંકના લોકરમાંથી 30 લાખના સોનાના બિસ્કિટ મળ્યા છે. કુલ 70 લાખના દાગીના, સોનાના બિસ્કિટ મળ્યા છે. ATDO 20 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. અમદાવાદમાં સરકારી અધિકારી થોડા દિવસ પહેલા લાંચ લેતા ઝડપાયો હતો.
આ પણ વાંચો: ગુજરાત: જયરાજસિંહના પુત્ર સામે ફરિયાદ કરનાર પરિવારના 3 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક
હર્ષદ ભોજક રૂપિયા 20 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો હતો
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં આસિસ્ટન્ટ TDO તરીકે ફરજ બજાવતો હર્ષદ ભોજક રૂપિયા 20 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો હતો. AMCના આસિસ્ટન્ટ TDO મિલકતની વૈકલ્પિક વ્યવસ્થા કરવાના કામ પેટે રૂપિયા 50 લાખની માંગણી કરી હતી. જે પેટે અરજદારે આરોપીને 20 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારે વર્ગ 2ના અધિકારી હર્ષદ ભોજક લાંચ લેતા ઝડપાયો અને તેની સાથે એન્જિનિયર આશિષ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ACBની ટીમે હર્ષદ ભોજકના ઘરે તપાસ કરી હતી અને તેના ફલેટમાંથી વધુ રૂપિયા 73 લાખ રોકડા મળી આવ્યા હતા અને સોનાના બિસ્કીટ પણ મળી આવ્યા હતા.
લોકરમાંથી ચાંદીના ચોરસા પણ મળ્યા છે
હર્ષદ ભોજકના સેન્ટ્રલ બેન્કના લોકરની તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી રૂપિયા 30 લાખના સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. તેની સાથે જ લોકરમાંથી ચાંદીના ચોરસા પણ મળ્યા અને તે સિવાય 40 રૂપિયાના ઘરેણા પણ મળ્યા છે. લોકરમાંથી કુલ 70 લાખના દાગીના અને સોનાના બિસ્કિટ મળ્યા છે. ACBએ લાંચ કેસમાં ધરપકડ કરેલા લાંચિયા અધિકારી હર્ષદ ભોજક અને આશિષ પટેલને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટ દ્વારા બંને આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. કોર્ટે AMCના આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજક અને વચેટિયા આશિષ પટેલના 5 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે બંને આરોપીના રિમાન્ડ બાદ અન્ય લોકોના નામ ખુલ્લે તેવી શક્યતા છે. તેમજ અન્ય કેસ પણ સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત લાંચીયા અધિકારીઓના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, આવા અધિકારીઓ સામે શું પગલા લેવામાં આવે છે.