અમદાવાદએજ્યુકેશનગુજરાત

ગુજરાતમાં બે વર્ષમાં આદિજાતિના 935 વિદ્યાર્થીઓ JEE તથા NEETમાં પાસ થયા

ગાંધીનગર, 03 ઓગસ્ટ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના નેતૃત્વમાં રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અનેકવિધ નવીન અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.ગુજરાતમાં આદિજાતિ વિસ્તારમાં ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી- જી.એસ.ટી.ઈ.એસ હસ્તક 26 ઈ.એમ.આર.એસ, 9 જી.એલ.આર.એસ તેમજ 9 મોડેલ એમ કુલ 44 શાળાઓ કાર્યરત છે. આ વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે મેડિકલ અને એન્જિનિયરીંગ જેવા કોર્ષમાં પ્રવેશ મેળવવા માટેની JEE તથા NEETની પ્રવેશ પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે.

2024માં 1015 આદિજાતિ વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી
પ્રતિષ્ઠિત મેડીકલ કોલેજમાંથી ડૉકટરની પદવી માટે ધોરણ 12 સાયન્સ બાદ રાષ્ટ્રીય સ્તરે NEET-નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિટી ટેસ્ટની પરીક્ષા યોજાય છે. રાજ્યમાં ગત વર્ષ 2023માં 825 અને વર્ષ 2024માં 1015 આદિજાતિ વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી હતી. જેમાંથી NEETમાં અનુક્રમે 364 તથા 412 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા નિ:શૂલ્ક કોચિંગ તેમજ આદિજાતિ વિદ્યાર્થીઓની સખત મહેનતના પરિણામે શૈક્ષણિક વર્ષ 2021માં EMRS ખોડદા-તાપીની વિદ્યાર્થિનીને પ્રતિષ્ઠિત IIT-જોધપુરમાં સિવિલ ઇજનેર શાખામાં જયારે વર્ષ 2022માં EMRS પારડીના વિધાર્થીને IIT-ગાંધીનગરમાં મટેરિયલ સાયન્સમાં પ્રવેશ મળ્યો છે.

82 વિધાર્થીઓ JEE Mainsમાં ઉત્તીર્ણ થયા
આ ઉપરાંત ગત શૈક્ષણિક વર્ષ 2023માં આદિજાતિના 26 વિધાર્થીઓએ MBBSમાં, 94 વિદ્યાર્થીઓએ BE/B.Tech તથા 330 જેટલા વિદ્યાર્થીઓએ અન્ય પેરા મેડીકલક-અન્ય પ્રોફેશનલ કોર્ષમાં, એમ કુલ 450થી વધુ વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ મેળવીને પોતાની ઉજ્જવળ કારકિર્દીનો પ્રારંભ કર્યો છે જે રાજ્યના અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સમાનરૂપ છે. જયારે દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ કોલેજોમાંથી ઈજનેરની પદવી માટે રાષ્ટ્રીય કક્ષાએ JEE Mains-જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ યોજવામાં આવે છે. ગત વર્ષ 2023માં ગુજરાતમાંથી 116 અને વર્ષ 2024માં 136 આદિજાતિ વિદ્યાર્થીઓએ JEE Mainsની પરીક્ષા આપી હતી, જેમાંથી અનુક્રમે 77 અને 82 વિધાર્થીઓ JEE Mainsમાં ઉત્તીર્ણ થયા છે.

સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા કાર્યરત સ્કૂલો
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા ગુજરાત રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી કુલ 105 શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ 105 શાળાઓ પૈકી 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ, 43 કન્યા સાક્ષરતા નિવાસી શાળા, 12 મોડેલ શાળાઓ તથા 02 સૈનિક શાળાઓ કાર્યરત છે. આ શાળાઓ 15 આદિજાતિ જિલ્લાઓ ડાંગ, વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર અને ગીર સોમનાથમાં કાર્યરત છે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રીએ AMCને રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો માટે 144 કરોડ રૂપિયા ફાળવ્યા

Back to top button