બનાસકાંઠા : ડીસામાં અગરબત્તીની ફેક્ટરીમાં રાત્રે ભયંકર આગ ફાટી નિકળી
બનાસકાંઠા 03 ઓગસ્ટ 2024 : ડીસા – પાટણ હાઇવે પર આવેલી અગરબત્તીની એક ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી.જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફડા તફડી મચી જવા પામી હતી. ડીસા નગરપાલિકા સહિત ચંડીસર જીઆઇડીસીના ફાયર ફાઈટર આ આગને બુઝાવવા પહોંચ્યા હતા. જોકે બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી ન હતી. જેથી સતત પાણી મારો ચલાવવા માં આવ્યો હતો. આ આગ વીજળી ની શોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાનું અનુમાન છે.
ડીસા શહેરના ભોપાનગર વિસ્તારની બાજુમાં ભરતભાઈ કિશનલાલ ખત્રીની અગરબત્તીની ફેક્ટરી આવેલી છે. જેમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નિકળતા આ વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઇ હતી. અગરબત્તી ની ફેક્ટરી હોવાથી તેમાં અગરબત્તી બનાવવાનું રો – મટીરીયલ તેમજ અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાથી આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગ લાગતા ડીસા નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું. જોકે રસ્તો સાંકડો હોવાથી ફાયર ફાઈટર આગ સ્થળે ફેક્ટરી સુધી લઈ જવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
આ ઉપરાંત ચંડીસર જીઆઇડીસી ના ફાયર ફાઈટર પણ બોલાવવામાં આવ્યા હતા. સતત પાણીનો મારો છતાં બે કલાક સુધી આગ ઉપર કાબુ ન આવતા આજુબાજુ ના લોકો પણ ભયભીત થઈ ગયા હતા. મોડે મોડે આગ ને કાબૂમાં લેવામાં તંત્ર ને સફળતા મળી હતી. આ આગની ઘટનાના સમાચાર મળતા પોલીસ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ વાન પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ આગની ઘટનામાં કોઈ વ્યક્તિ ને ઈજા નથી. પરંતુ અગરબત્તીની ફેક્ટરી ના માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાના અહેવાલ છે.
આ પણ વાંચો : અંગદાનમાં અગ્રેસર બની રહ્યું છે ગુજરાત; છેલ્લા 5 વર્ષમાં કુલ 537 કેડેવર અંગદાનથી 1654 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું