હર હર મહાદેવઃ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, આ વખતે હશે પાંચ સોમવાર
- 5 ઓગસ્ટ અને સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. આ વખતે શ્રાવણ મહિનામાં સોમવાર પણ પાંચ આવશે. સોમવતી અમાસ પણ આવશે
HD ન્યુઝ ડેસ્કઃ ભોલેબાબાના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તોના ઉત્સાહનો હવે અંત આવવા જઈ રહ્યો છે. 5 ઓગસ્ટ અને સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. આ વખતે શ્રાવણ મહિનામાં સોમવાર પણ પાંચ આવશે. આ ઉપરાંત બીજી પણ અનેક વિશેષતાઓ છે.
આ પવિત્ર મહિનામાં શિવભક્તો આખો મહિનો ઉપવાસ રાખતા હોય છે. શિવ અભિષેક, રુદ્રાભિષેક સહિત અનેક શિવ પૂજાનું આયોજન કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ મહિનાનું વિશેષ મહત્ત્વ હોય છે. એવી માન્યતા છે કે આ આખો મહિનો શિવજીને જળાભિષેક કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનાનો પ્રારંભ સોમવારથી થવો અને અમાસનો દિવસ પણ સોમવારે જ આવવો તે શુભ સંકેત છે. આ વખતે સોમવતી અમાસ આવી રહી છે. 2 સપ્ટેમ્બરે શ્રાવણ મહિનાનું સમાપન થશે.
જાણો ક્યારે ક્યારે આવશે પાંચ સોમવાર?
પહેલો સોમવાર – 5 ઓગસ્ટ
બીજો સોમવાર – 12 ઓગસ્ટ
ત્રીજો સોમવાર – 19 ઓગસ્ટ
ચોથો સોમવાર – 26 ઓગસ્ટ
પાંચમો સોમવાર – 2 સપ્ટેમ્બર
આ મહિનાના શુભ યોગ અને ગ્રહોના નક્ષત્ર પરિવર્તન
આ મહિનામાં રાજયોગ, કુમાર યોગ, દુગ્ધ યોગ, અમૃત સિદ્ધિ યોગ, વ્રજ મુસલ યોગ, સ્થિર યોગ, રવિ યોગ, રાજયોગ અને સિદ્ધિ યોગ વગેરે જેવા 9 યોગ પણ આવશે. શ્રાવણ મહિનામાં ગ્રહોના નક્ષત્રોમાં પણ પરિવર્તન આવશે. મંગળ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. ગુરુ પણ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. શુક્ર માઘ નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જે દિવસે શ્રાવણ મહિનાની શરૂઆત થશે તે દિવસે જ પ્રીતિ યોગ, આયુષ્માન યોગની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. જે ખૂબ જ શુભ સંયોગ મનાય છે. આ શુભ યોગમાં ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. અનેક ગણુ ફળ મળશે.
આ પણ વાંચોઃ પવિત્ર શ્રાવણ મહિનામાં કરો દિવ્ય દક્ષિણ યાત્રા અને એ પણ બજેટમાં!