એવું તે શું પૂછવામાં આવ્યું કે જેને સાંભળીને ભડકી ગઈ તબ્બુ: વારંવાર એક જ પ્રશ્ન
- હાલના દિવસોમાં તબ્બુ તેની ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ માટે ચર્ચામાં, આ ફિલ્મ શુક્રવારે જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ
મુંબઈ, 3 ઓગસ્ટ: તબ્બુની ગણતરી બોલિવૂડની તે સ્પષ્ટવક્તા અભિનેત્રીઓમાં થાય છે, જે કોઈપણ પ્રશ્નનો ખુલીને જવાબ આપે છે. પરંતુ, તાજેતરમાં એક્ટ્રેસને એવો સવાલ પૂછવામાં આવ્યો કે, જેનાથી તે પરેશાન થઈ ગઈ. હાલના દિવસોમાં તબ્બુ તેની ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા‘ માટે ચર્ચામાં છે. આ ફિલ્મ શુક્રવારે જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જેને શરૂઆતના દિવસે દર્શકો તરફથી કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો નહોતો. આ ફિલ્મને પહેલા દિવસે માત્ર 2.1 કરોડની ઓપનિંગ મળી હતી, જે છેલ્લા 16 વર્ષમાં રિલીઝ થયેલી અજય દેવગનની કોઈપણ ફિલ્મમાં સૌથી ઓછી હતી. તબ્બુ અને અજય દેવગન આ દિવસોમાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન, તાજેતરમાં જ તબ્બુને વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન ફરી એકવાર પૂછવામાં આવ્યો હતો, જેના કારણે અભિનેત્રી ભડકી ગઈ હતી અને તેણીએ તેના પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
કયા પ્રશ્ન પર ગુસ્સે થઈ તબ્બુ?
હકીકતમાં, વી આર યુવા સાથેની વાતચીત દરમિયાન, તબ્બુને પુરુષ અને મહિલા કલાકારોના પગાર વિશે પૂછવામાં આવ્યું હતું. જેના પર અભિનેત્રીનું કહેવું છે કે, “લોકોએ આ પ્રશ્નો એવા લોકોને પૂછવા જોઈએ જેઓ પુરૂષ અભિનેતાઓને વધુ ફી આપે છે.” આ સવાલ સાંભળતા જ અભિનેત્રીએ તેના પર તીખી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, ‘મીડિયાના તમામ લોકો મહિલા કલાકારોની ફીની સમાનતા પર સવાલ ઉઠાવે છે. દરેક પત્રકાર આ પ્રશ્ન મહિલાઓને જ પૂછે છે. મતલબ, તમે જાણો છો કે પુરૂષ અભિનેતાઓને તેમના કામ માટે વધુ પગાર મળે છે અને સ્ત્રી કલાકારોને ઓછો પગાર મળે છે.”
તમે આ પ્રશ્ન પુરુષ અભિનેતાને કેમ નથી પૂછતાઃ તબ્બુ
પોતાની વાત ચાલુ રાખતા તબ્બુ આગળ કહે છે કે, “તો જ્યારે તમે પહેલાથી જ જાણો છો કે મહિલા કલાકારોને ઓછો પગાર મળે છે, તો પછી તમે મને આ પ્રશ્ન કેમ પૂછો છો? હું આ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપી શકું? હા, હું ચોક્કસપણે કહી શકું છું કે, મને મારા કામ માટે ઓછા પૈસા મળે છે તે હકીકતથી હું નફરત કરું છું. અથવા હું એમ કહી શકું કે મને જે પૈસા મળી રહ્યા છે તેનાથી હું સંતુષ્ટ છું. તમે લોકો આ પ્રશ્ન માત્ર સ્ત્રી કલાકારોને જ કેમ પૂછો છો, પુરુષ કલાકારોને કેમ નહીં? શા માટે તેમને પૂછવામાં આવતું નથી કે તેઓને વધુ પગાર કેમ મળે છે? આ એક રસપ્રદ અભિગમ રહેશે.”
અજય દેવગનની નીરજ પાંડે સાથેની 10મી ફિલ્મ
ઉલ્લેખનીય છે કે, તબ્બુ અને અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ 2જી ઓગસ્ટ એટલે કે આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. નીરજ પાંડેના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના ઓપનિંગ ડે કલેક્શનની વાત કરવામાં આવે તો તેને ખૂબ જ ધીમી ઓપનિંગ મળી છે. ફિલ્મે શરૂઆતના દિવસે માત્ર 2.1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ‘ઔરો મેં કહાં દમ થા’ અજય દેવગનની નીરજ પાંડે સાથેની 10મી ફિલ્મ છે.
આ પણ જૂઓ: સલમાન ખાને પરિવાર સાથે ઉજવ્યો બહેન અર્પિતાનો બર્થડે, જુઓ ઈનસાઈડ તસવીર અને વીડિયો