પ્રવીણ નેતારુ હત્યા કેસમાં 21 લોકો કસ્ટડીમાં, PFI કનેક્શનની શંકા
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારેમાં ભાજપ નેતા પ્રવીણ નેતારુની ઘાતકી હત્યાના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં 21 લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે. આ તમામ લોકો PFI સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. મંગળવારે રાત્રે 9.30 વાગ્યા આસપાસ પ્રવીણ તેની દુકાનનું શટર પાડીને ઘરે જવા નીકળતો હતો ત્યારે અચાનક આવેલા ત્રણ બાઇક સવારોએ પાછળથી તેની પર તલવાર સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો.
હુમલો થતાં જ પ્રવીણ બીજી તરફ ભાગ્યો હતો, થોડે દૂર ભાગ્યો હતો કે તેના પર ફરીથી હુમલો થયો હતો. ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત થઈ ગયું. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ પ્રવીણે ઉદયપુરમાં કન્હૈયાલાલનું માથું કાપી નાખવાની ઘટના પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. પ્રવીણે 29 જૂને કન્હૈયાલાલ વિશે પોસ્ટ કરી હતી.
હત્યા કેસમાં 2 લોકોની ધરપકડ
કર્ણાટકમાં ભાજપ નેતા પ્રવીણ નેતારુની હત્યા મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. આ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં હત્યાના સંબંધમાં ઝાકિર અને શફીક નામના બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય આ લોકોના PFI સાથે સંબંધ હોવાની પણ શંકા છે. કાયદો અને વ્યવસ્થાના ADGP આલોક કુમારે આ માહિતી આપી છે.
ADGPએ કહ્યું કે ઝાકિર અને શફીકને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ લોકોની પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ લોકોની પૂછપરછ બાદ કેટલીક ધરપકડ પણ શક્ય છે. પોલીસે એમ પણ જણાવ્યું કે આ બંને એ જ જિલ્લાના રહેવાસી છે જ્યાં પ્રવીણ નેતારુ રહેતો હતો.
NIA પાસે તપાસની માંગ
તો, કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ આ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રીએ પણ આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને NIA દ્વારા તપાસની માંગ કરી છે. તેમણે પત્ર લખીને આ કેસની તપાસ NIAને સોંપવાની વિનંતી કરી છે. આ સિવાય કર્ણાટકના ગૃહમંત્રીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આ હત્યા પાછળ હિજાબને લઈ વિરોધ કરનારા સંગઠનોનો પણ હાથ હોઈ શકે છે.