- એસીબીની ટીમે હર્ષદ ભોજકની કરી ધરપકડ
- ભોજક વતી સરકારી એન્જિનિયર આશીષ પટેલને લાંચ લેતા દબોચ્યો
અમદાવાદ, 1 ઓગસ્ટ : અમદાવાદ મહાનગરપાલિકા વિરાટનગરના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફીસર હર્ષદ ભોજક રૂ.20 લાખની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીની ટીમે છટકું ગોઠવી ATDO ભોજક વતી લાંચની રકમ લેવા આવેલા સરકારી એન્જિનિયર આશીષ પટેલને દબોચી લઈ તેની પુછપરછ કરતા ATDO ભોજકનું નામ ખુલતા તેને પણ અટકમાં લીધો હતો અને તપાસ શરૂ કરી છે.
શા માટે માંગ્યા હતા લાંચના રૂ.20 લાખ ?
મળતી માહિતી મુજબ, આ કામના ફરીયાદીની અમદાવાદ શહેરમાં વડીલો પાર્જીત જમીનમાં મકાનો/દુકાનો હતી. જે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્રારા કબ્જો લઈ તોડી નાખવામાં આવેલ હતો. જેથી મકાનો/ દુકાનોના ભાડુઆતો તથા આ કામના ફરીયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરેલ જેમા જણાવેલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજુ કરશો તો AMC તેઓને વૈકલ્પીક વ્યવસ્થા કરી આપશે. જેથી આ કામના ફરીયાદીએ ગવર્નમેન્ટ એપ્રુવલ એન્જિનિયર આરોપી આશીષ પટેલને મળેલ અને આરોપી આશીષનાઓએ ફરીયાદીને આરોપી હર્ષદભાઇ ભોજક સાથે મુલાકાત કરાવેલ અને બનાવની હકીકતથી વાકેફ કરેલ હતા.
હર્ષદ ભોજકે રૂ.50 લાખની માંગણી કરી હતી
જેથી આરોપી હર્ષદ ભોજકનાઓએ ફરીયાદીને કામ કરી આપવા પેટે પ્રથમ રૂ.૫૦ લાખ લાંચની માગણી કરેલ અને આરોપી આશીષને રૂ.૧૦ લાખ આપવાની વાત કરેલ જેથી ફરીયાદીએ રકઝક કરતા રૂ.૨૦ લાખ આપવાના નક્કી કરેલ હતા.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કરતાં, લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ જે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, સ્વીકારી, એકબીજાએ મદદગારી કરી હતી. દરમિયાન જ એસીબી ત્રાટકી હતી અને દબોચી લીધા હતા.
ક્યાં છટકું ગોઠવાયું ? કોણે કરી હતી રેઈડ ?
આ અંગે જાણવા મળ્યા મુજબ જ્યારે બંને આરોપીઓ રૂ.20 લાખની રકમ માટે માની ગયા હતા ત્યારે તેમણે ફરિયાદીને આશીષ પટેલની ઓફિસે બોલાવ્યા હતા. જેથી ફરિયાદી ઓફીસ નં.૪૧૮, અક્ષર સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રત્ના બીઝનેશ સ્કવેર, ચીનુભાઇ ટાવર ની સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ગયા હતા. ફરિયાદીએ પોતાનો રૂ.20 લાખ રોડકનો થેલો આરોપીઓને આપતા જ કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ તથા એ.વી.પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ-૩, અમદાવાદના સુપરવિઝન હેઠળની ટીમના એન.એન.જાદવ, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે. તથા ડી.બી.મહેતા, પો.ઇ.એ.સી.બી, ફિલ્ડ-૩, અમદાવાદે દરોડો પાડ્યો હતો અને બંનેને દબોચી લીધા હતા.