બનાસકાંઠા : બાયપાસ રોડના મુદ્દે પાલનપુરના એગોલા ગામે ખેડૂતો આકરા પાણીએ
- ખોડલા,મોરીયા બાદ હવે એગોલા ગામના ખેડૂતો મેદાનમાં
- ઢોલ સાથે એગોલા ગામના ખેડૂતો અને મહિલાઓ ઉતર્યા રસ્તા પર
- સરકાર જરૂરિયાત મુજબ જમીન સંપાદિત કરી ખેડૂતોને વળતરની માંગ…
બનાસકાંઠા 01 ઓગસ્ટ 2024 : પાલનપુર એરોમા સર્કલ ની ટ્રાફિકની સમસ્યા હલ કરવા બાયપાસ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં ખેડૂતોની વધુ જમીન કપાતા ઠેર ઠેર ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં પાલનપુર તાલુકાના એગોલા ગામે ખેડૂતોએ ઢોલ ઢબકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એરોમા સર્કલ પર દિલ્હી – મુંબઈ નો ટ્રાફિક વધુ રહે છે જેના કારણે સમસ્યા સર્જાય છે. અમે વાહન ચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે આ સમસ્યા કાયમી હલ કરવા માટે રોડને પહોળો કરવામાં આવી રહ્યો છે. જ્યારે સરકાર દ્વારા બાયપાસ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂતોની વધુ જમીન કપાતી હોવાથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બાયપાસ બનાવવા માટે અત્યારે જમીન માપણી કરી ખુંટા મારવાની કામગીરી ચાલી રહી છે.
ત્યારે પાલનપુર તાલુકાના ખોડલા, મોરિયા બાદ એગોલા ગામમાં પણ ખેડૂતો દ્વારા વધુ પડતી જમીન કપાતી હોવાથી અહીંના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, અને મહિલાઓ એ છાજિયા લીધા હતા. તેમજ ઢોલ ઢબકાવી આક્રોશ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જરૂરિયાત મુજબની જમીન સંપાદિત કરે અને વધુમાં વધુ વળતર ચૂકવવામાં આવે અમારી માંગણી છે. જે નહી સ્વીકારાય તો આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર સહિત ગાંધીનગર સુધી ઢોલ ઢબકાવી વિરોધ કરવાની ચીમકી આપી હતી.
આ પણ વાંચો : સુરતમાં યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું, બેંક લોનના હપ્તા ભરવાના તણાવમાં હતો