અતિક-અશરફ હત્યા કેસમાં તપાસ પંચનો અંતિમ રિપોર્ટ આવ્યો સામે, યુપી પોલીસને મોટી રાહત
લખનૌ, 01 ઓગસ્ટ :યુપી વિધાનસભામાં આરોગ્ય રાજ્ય મંત્રી મયંકેશ્વર શરણ સિંહે માફિયા અતીક અહેમદ, અશરફ અને અતીકના પુત્ર અસદ અને તેના સહયોગી ગુલામના એન્કાઉન્ટર કેસમાં રચાયેલા તપાસ પંચનો રિપોર્ટ ગૃહમાં રજૂ કર્યો છે. ન્યાયિક પંચના રિપોર્ટમાં યુપી પોલીસને ક્લીનચીટ આપવામાં આવી છે, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માફિયા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા પૂર્વયોજિત નહોતી.
આ સાથે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ તરફથી કોઈ બેદરકારી ન હતી, પોલીસ માટે ઘટનાને ટાળવી શક્ય નહોતું. અતિક અહેમદ અને અશરફની હત્યાના સંદર્ભમાં નિવૃત્ત ન્યાયાધીશ દિલીપ બાબા સાહેબ ભોસલેની અધ્યક્ષતામાં પાંચ સભ્યોના પંચની રચના કરવામાં આવી હતી. જેમાં ઝારખંડ હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ વીરેન્દ્ર સિંહ, અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમાર ત્રિપાઠી, પૂર્વ પોલીસ મહાનિર્દેશક સુભેશ કુમાર સિંહ અને નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ બ્રિજેશ કુમાર સોનીને પણ પંચના સભ્ય બનાવવામાં આવ્યા હતા.
અતિક-અશરફની પ્રયાગરાજની હોસ્પિટલ પરિસરમાં હત્યા કરવામાં આવી હતી.
ઉમેશ પાલ હત્યા કેસના આરોપી ગેંગસ્ટર અતિક અને અશરફની 15 એપ્રિલ 2023ના રોજ પ્રયાગરાજના હોસ્પિટલ પરિસરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના સ્થળેથી ત્રણ સગીર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, આ હત્યાને લઈને પોલીસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. તાજેતરમાં માફિયા અતિક અહેમદના ભાઈ અશરફની ફરાર પત્ની ઝૈનબ ફાતિમાના આલીશાન ઘર પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. વકફ બોર્ડની મિલકત હડપ કરવાના મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રયાગરાજ પોલીસે ગેંગસ્ટર અતિક અહેમદના વકીલ વિજય મિશ્રાને કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં હિસ્ટ્રીશીટર તરીકે જાહેર કર્યો હતો.