બનાસકાંઠા : ડીસાના વતની અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ને સિલ્વર ડીસ્ક એવોર્ડ
- પીઆઈ વી.બી.આલ ને ઔરંગાબાદ થી 660 કરોડ નું એમડી ડ્રગ્સ પકડવામાં સફળતા મળી હતી
- ગાંધીનગરના કરાઈ ખાતે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય ના હસ્તે એવોર્ડ મળ્યો
બનાસકાંઠા 31 જુલાઈ 2024 : ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ દળમાં સરાહનિય કામગીરી અને ઉત્કૃષ્ટ પોલીસ સેવા ફરજ બજાવવા બદલ પોલીસ અધિકારીઓ કર્મચારીઓને “ડીજીપી કમેન્ડેશન સિલ્વર ડીસ્ક એવોર્ડ” આપવામાં આવ્યો હતો. જેમાં ડીસાના વતની અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા વી.બી.આલ ને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
રાજ્ય પોલીસ દળમાં”ડીજીપીની પ્રશસ્તિ ડિસ્ક એવોર્ડ” 2023 માટે નિર્ધારિત માપદંડના આધારે કુલ 110 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં હિંમત, કૌશલ્ય અને બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ કરેલી કામગીરી, કુદરતી આફતો વખતેની કામગીરી, પદ્ધતિ સુધારવા માટે નવા પ્રયોગો હાથ ધરવા બાબતે, મુશ્કેલ કેસોને શોધવા ઉકેલવા માટે પ્રશંસનીય કાર્ય, ઓછામાં ઓછા 07 વર્ષનો સ્વચ્છ સેવા રેકોર્ડ ધરાવવો, ડ્રાઈવરના કેસમાં છેલ્લા 07 વર્ષનો અકસ્માત મુક્ત ડ્રાઈવિંગ રેકોર્ડ સહિતના અનેક માપદંડોના આધારે યોગ્ય પસંદગી કરી આ એવોર્ડ આપવામાં આવે છે.
જેમાં બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર તાલુકાના કુશ્કલ ગામના વતની અને ડીસા ખાતે સ્થાયી થયેલા તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પીઆઇ વેરશીભાઈ ભીખાભાઈ આલ ને ઔરંગાબાદ થી ₹660 કરોડનું એમડી ડ્રગ્સ પકડવામાં સફળતા મળી હતી. આ ઉપરાંત તેઓની ઉત્કૃષ્ટ પોલીસ સેવાઓને ધ્યાને લઈ “ડીજીપી કમેન્ડેશન ડીસ્ક એવોર્ડ 2023” માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગરના કરાઈ ખાતે આવેલી પોલીસ એકેડેમી માં યોજાયેલા અલંકરણ સમારોહમાં ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના હસ્તે તેઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો. પીઆઈ વી.બી.આલે આ એવોર્ડ મેળવી સમગ્ર ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા નગરપાલિકાની સામાન્ય સભા મુલતવી,ભાજપના જૂથવાદના કારણે બોર્ડ કેન્સલ કરાયાનો વિપક્ષનો બળાપો