મધ્યપ્રદેશની આ જગ્યા કહેવાતી હતી માહિષ્મતિ, નેચરલ બ્યુટી જોઈ ખુશ થશો
- ઈતિહાસકારોના મતે મધ્યપ્રદેશનું એક નાનકડું શહેર મહેશ્વર એક સમયે માહિષ્મતિ નામથી જાણીતું હતું. આ શહેરનો સંબંધ દેવી અહલ્યાબાઈ હોલકર સાથે પણ રહ્યો છે
HD ન્યુઝ ડેસ્કઃ માહિષ્મતિ સામ્રાજ્યની આસપાસ ગુંથાયેલી ફિલ્મ બાહુબલી લોકોએ ખૂબ પસંદ કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ માહિષ્મતિ હાલમાં પણ અસ્તિત્વ ધરાવે છે. ઈતિહાસકારોના મતે મધ્યપ્રદેશનું એક નાનકડું શહેર મહેશ્વર એક સમયે માહિષ્મતિ નામથી જાણીતું હતું. આ શહેરનો સંબંધ દેવી અહલ્યાબાઈ હોલકર સાથે પણ રહ્યો છે. ખરગોન જિલ્લા હેઠળ આવતા મહેશ્વરનું પ્રાકૃતિક સૌંદર્ય જોવા જેવું છે. નર્મદાના કિનારે આવેલું આ નાનકડું શહેર તેની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહર માટે એક અલગ ઓળખ ધરાવે છે.
મધ્યપ્રદેશનું મહેશ્વર શહેર નર્મદા નદીના કિનારે વસેલું એક સુંદર શહેર છે. આ શહેર તેના ઐતિહાસિક કિલ્લા, મંદિરો અને હસ્તશિલ્પ માટે જાણીતું છે. અહલ્યાબાઈ હોલ્કરના શાસન દરમિયાન મહેશ્વરની શોભા ટોચ પર હતી. આજે પણ એ ભવ્ય ભૂતકાળના નિશાન આ શહેરમાં જોવા મળે છે.
જો તમે ક્યારેય મહેશ્વર જવાનું વિચારતા હોવ તો અહીં આવીને કેટલીક જગ્યાઓ જોવાનું ભૂલશો નહીં. પરિવાર સાથે મુલાકાત લેવા માટે આ એક ઉત્તમ સ્થળ છે. જાણો મહેશ્વર અને તેની આસપાસની કેટલીક ખાસ જગ્યાઓ વિશે.
મહેશ્વરના 5 લોકપ્રિય સ્થળો
હોલકર કિલ્લો
મહેશ્વરનો હોલકર કિલ્લો નર્મદા નદીના કિનારે આવેલો વિશાળ કિલ્લો છે. આ કિલ્લો 16મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. કિલ્લાની અંદર ઘણા મહેલો, મંદિરો અને હવેલીઓ છે. કિલ્લા પરથી નર્મદા નદીનો નયનરમ્ય નજારો દેખાય છે.
અહલ્યાબાઈનો મહેલ
અહલ્યાબાઈનો મહેલ હોલ્કર કિલ્લાની અંદર આવેલો છે. આ મહેલ અહલ્યાબાઈ હોલ્કરનું નિવાસસ્થાન હતું. મહેલની દિવાલો પર સુંદર ચિત્રો અને કોતરણીઓ જોઈ શકાય છે.
રાજરાજેશ્વર મંદિર
રાજરાજેશ્વર મંદિર એ મહેશ્વરનું એક પ્રાચીન મંદિર છે. આ મંદિર 11મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત છે. આ મંદિરના ગર્ભગૃહમાં સદીઓથી 11 અખંડ દીપ પ્રગટી રહ્યા છે. સોમવાર, શ્રાવણ મહિનો, કારતક મહિનો, શિવરાત્રિ અને અમાસના દિવસોમાં અહીં ભક્તોની ભીડ જોવા મળે છે.
નર્મદા ઘાટ
નર્મદા ઘાટ મહેશ્વરનું સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. અહીં લોકો નર્મદા નદીમાં સ્નાન કરીને પૂજા કરે છે. ઘાટના કિનારે અનેક મંદિરો આવેલા છે. અહીં બોટ દ્વારા નર્મદા નદીની મુલાકાત લેવાથી એક અલગ પ્રકારની શાંતિ મળે છે.
રેવા કેન્દ્ર મ્યુઝિયમ
હોલ્કર શાસકો સાથે સંબંધિત ઘણી ઐતિહાસિક વસ્તુઓ રેવા કેન્દ્ર મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. અહીં તમે પ્રાચીન શસ્ત્રો, કપડાં, ઘરેણાં અને ચિત્રો જોઈ શકો છો.
આ પણ વાંચોઃ ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે આ સ્થળ, જાવ તો પાંચ જગ્યા ન ચૂકશો