મોહમ્મદ રફીની આજે પુણ્યતિથિ, જાણો તેમના 5 ગીતો વિશે જે મેહફિલને લગાવે છે ચારચાંદ
- પાંચ ગીતોમાંથી એક ગીતને સૌથી વિશેષ બનાવે છે તેમાં રહેલા અન્ય બે દિગ્ગજોનો સાથ
મુંબઈ, 31 જુલાઇ: પીઢ ગાયક મોહમ્મદ રફીના નિધનને આજે બુધવારે 44 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આજે આખો દેશ ગાયકને યાદ કરી રહ્યો છે જેમણે 31 જુલાઈ 1980ના રોજ દુનિયા છોડી દીધી હતી. હિન્દી સિનેમાના પીઢ ગાયક મોહમ્મદ રફી તેમના પ્રભાવશાળી અવાજ માટે જાણીતા હતા અને છે, જેનું કારણે છે તેમના ગીતો. આજે પણ મોહમ્મદ રફીના ગીતો લોકોના દિલ જીતી લે છે. મોહમ્મદ રફીના ગીતો દરેક મેહફિલમાં ફિટ બેસે છે અને લોકોના દિલમાં ઉતરે છે. આ ગીતો સમય અને સરહદોની દીવાલો ઓળંગી ગયા છે અને આજે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઈ ગયા છે. બાળકોથી લઈને મોટી ઉમરના લોકો સુધીના દરેક ક્ષેત્રના લોકો તેમના ગીતોના ચાહક છે. આજે મોહમ્મદ રફીની પુણ્યતિથિ છે. આ અવસર પર, તેમને યાદ કરીને, અમે તમારા માટે તેમના એવરગ્રીન 5 સૌથી ખાસ ગીતોની યાદી લાવ્યા છીએ, જેને સાંભળ્યા બાદ તમે પણ ઘણી લાગણીઓનો અનુભવ કરશો.
બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ
મોહમ્મદ રફીનું એક ગીત એટલું ખાસ છે કે, તેના વિના કોઈ પણ લગ્ન પૂર્ણ થતા નથી. બારાત આવતાની સાથે જ બેન્ડ આ ગીત વગાડે છે. આજે પણ લોકો આ ગીત પર ખૂબ જ ડાન્સ કરે છે અને તેનાથી એક અલગ જ ઉત્સાહનો અનુભવ થાય છે. મોહમ્મદ રફીએ 1966માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સૂરજ’ માટે એક ગીતને અવાજ આપ્યો હતો, જેના ગીતના શબ્દો છે: “બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ.” 56 વર્ષ પછી પણ આ ગીતનો જાદુ એ સમયે જેવો છે.
બાબુલ કી દુઆએ લેતી જા
હવે જ્યારે લગ્નનો ઉલ્લેખ થયો જ છે ત્યારે વિદાય ગીતની પણ વાત કરવી સ્વાભાવિક છે. ‘બાબુલ કી દુઆએ લેતી જા’ પણ મોહમ્મદ રફીએ જ ગાયું છે. આ ગીત રેકોર્ડ કરતી વખતે મોહમ્મદ રફી પોતે પણ રડવા લાગ્યા હતા. આ ગીત આજે પણ લોકોની આંખોને ભીની કરી દે છે અને લોકો ઈચ્છે તો પણ પોતાના આંસુ રોકી શકતા નથી. આ ગીત રામ મહેશ્વરીની ફિલ્મ ‘નીલ કમલ’ માટે કમ્પોઝ કરવામાં આવ્યું હતું. આ ગીત દીકરીની વિદાય ગીત તરીકે લોકપ્રિય બન્યું હતું.
હમકો તુમસે હો ગયા પ્યાર
એક ગીત સૌથી ખાસ હોય છે અને તેના ખાસ હોવા પાછળ પણ એક કારણ હોય છે. ‘અમર અકબર એન્થની’ માટે, મોહમ્મદ રફીએ અન્ય બે દિગ્ગજ કલાકારો એવા મુકેશ કુમાર અને કિશોર કુમાર સાથે ગીતને અવાજ આપ્યો હતો. આ ગીતનું નામ છે ‘હમકો તુમસે હો ગયા પ્યાર’. જેમાં ત્રણેયનો જાદુઈ અવાજ પહેલી અને છેલ્લી વાર એકસાથે સાંભળવા મળ્યો હતો.
તેરી ગલીયોં મેં ના રખેંગે કદમ
વર્ષ 1974માં ફિલ્મ ‘હવસ’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં અનિલ ધવન અને નીતુ સિંહ સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન સાવન કુમાર ટાકે કર્યું હતું. મોહમ્મદ રફીએ આ ફિલ્મ માટે તે જમાનાનું બ્રેકઅપ ગીત ગાયું હતું. આ ગીતના બોલ હતા: તેરી ગલીયોં મેં ના રખેંગે કદમ…. આ ગીત પ્રેમીઓમાં ખૂબ લોકપ્રિય બન્યું હતું.
ઑ મેરી મહેબૂબા
ધર્મેન્દ્ર અને જિતેન્દ્રની જોડી ફિલ્મ ‘ધર્મ-વીર’માં લોકપ્રિય થઈ હતી. આ ફિલ્મને ઘણો પ્રેમ મળ્યો હતો. મોહમ્મદ રફીએ આ ફિલ્મ માટે એક ખાસ ગીતમાં પોતાનો અવાજ પણ આપ્યો હતો. ગીતનું નામ છે, ‘ઓ મેરી મહેબૂબા’. આ ગીતનો જાદુ આજે પણ લોકોમાં ગુંજી રહ્યો છે.
આ પણ જૂઓ: અમિતાભ-જયાના આ ‘અભિમાન’ની રસપ્રદ વિગતો કેટલાને ખબર છે?