અંબાજીમાં પોલીસે સમાધાન કરાવ્યું છતાં વેપારીઓ ટસના મસ ના થયા, સજ્જડ બંધ પાળ્યો
અંબાજી, 31 જુલાઈ 2024, 1200 કરોડના ખર્ચે શક્તિપીઠ અંબાજી શહેરની કાયાપલટનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બીજી તરફ અંબાજીમાં વધતા જતા ગુનાઓને લઈ વેપારીઓ માન સરોવર ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા.તમામ વેપારીઓએ 31 જુલાઈના રોજ પોલીસની કામગીરી સામે અને અસામાજિક તત્વોના વધતા બનાવોથી સમગ્ર અંબાજી ધામ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ પોલીસે આશ્વાસન આપતાં વેપારીઓએ આખરે બંધ રાખવાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો.પરંતુ રાત્રે અંબાજીમાં અલગ અલગ જગ્યાએ ગ્રામજનો અને વેપારીઓની નાની-મોટી મિટિંગોનો દોર ચાલુ થઈ ગયો હતો અને છેલ્લે સમગ્ર અંબાજી એક થઈ બંધનું એલાન કર્યું હતું. આજે અંબાજીમાં વેપારીઓએ બંધ પાળ્યો છે. આજે આવેદનપત્ર આપશે.
પોલીસે આશ્વાસન આપતાં અંબાજી બંધનો નિર્ણય મોકૂફ
અંબાજી પોલીસ સ્ટેશન મંથકે અંબાજીના વેપારીઓ અને ગ્રામજનો પહોંચ્યા હતા અને અંબાજી પોલીસ સાથે ચર્ચા વિચારણા કરતા અંબાજી પોલીસના PSIએ ગ્રામજનો અને વેપારીઓને આશ્વાસન આપતા કહ્યું હતું કે અમે જે ગઈકાલે અંબાજીમાં ગુનો બન્યો હતો. તેમાં બે આરોપીઓને પકડી પાડ્યા છે અને વધુમાં અંબાજી ગામની સુરક્ષાને લઈને અમે પેટ્રોલિંગ પણ વધારવાના છીએ. ઘોડેસવારી સાથે વોચ રાખવા અને અંબાજીમાં વાહન ચેકિંગની પણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેવી અનેકો બાબતોને લઈને ગ્રામજનો અને વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંબાજીને ભયમુક્ત બનાવવા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. જેથી વેપારીઓ અને ગ્રામજનોએ અંબાજી બંધને કાલે મોફુફ રાખવાનો નિર્ણય કર્યો હતો.
વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને લઇ આવેદન પત્ર આપશે
રાત્રીના સમયે અંબાજીમાં અલગ અલગ જગ્યાએ ગ્રામજનો અને વેપારીઓની નાની-મોટી મિટિંગોનો દોર ચાલુ થઈ ગયો હતો અને આખરે અંબાજી બંધ રાખવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો. અંબાજીમાં ભરબજારે લુખ્ખા તત્ત્વોએ એક મેડિકલ સ્ટોર પર પથ્થરમારો કર્યો હતો. આ મેડિકલ સ્ટોર્સ રાજ્યના આરોગ્ય મંત્રીના મોટાભાઈનો હતો. અંબાજીમાં બાઈક ચોરી, મોબાઈલ છીનવી લેવા, ઘરફોડ જેવી અનેક ધટનાઓને લઇ અંબાજીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે વેહલી સવારે અંબાજી બજાર સજ્જડ બંધ જોવા મળ્યું હતું. અંબાજીમાં આવેલી નાની-મોટી દુકાનો, ચા સ્ટોલ, લારી ગ્લલાઓ બંધ જોવા મળ્યા હતા. વેપારીઓએ અને ગ્રામજનોએ અંબાજી બંધને સમર્થન આપી પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા છે. આજે અંબાજીના વેપારીઓ અને ગ્રામજનો ભેગા મળીને પોલીસને અંબાજીમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને લઇ આવેદન પત્ર આપશે.
આ પણ વાંચોઃપોલીસે આશ્વાસન આપતાં અંબાજીના વેપારીઓએ બંધનું એલાન મોકૂફ રાખ્યું