બ્રિટનમાં ત્રણ બાળકોની હત્યા બાદ હિંસા, પોલીસ સાથે પ્રદર્શનકારીઓની અથડામણ, ભારે પથ્થરમારો, આગચંપી
લંડન, 31 જુલાઈ : બ્રિટનનું ઉત્તર-પશ્ચિમ બંદર શહેર મર્સીસાઇડ રમખાણોની આગમાં સળગી રહ્યું છે. ગત સોમવારે, શહેરના એક કોમ્યુનિટી હોલમાં ટેલર સ્વિફ્ટની થીમ પર બાળકો માટે નૃત્ય અને યોગા કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારબાદ છરી સાથે સજ્જ એક 17 વર્ષનો હુમલાખોર હોલમાં ઘુસી ગયો અને માસૂમ બાળકો પર હુમલો કર્યો. તેના હુમલામાં છ, સાત અને નવ વર્ષના ત્રણ બાળકો મૃત્યુ પામ્યા હતા જયારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : એક, બે નહીં પરંતુ 100 બાળકોના ‘પિતા’ છે ટેલિગ્રામના CEO, પોતે જ કર્યો ચોંકાવનારો ખુલાસો
હુમલાખોરનો ફોટો અને ખોટી ઓળખ સોશિયલ મીડિયા પર વાયરલ
પોલીસે કહ્યું કે હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હુમલાખોરનો ફોટો અને ખોટી ઓળખ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેણે શહેરમાં હિંસા ફેલાવી હતી. સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું હતું કે હુમલાખોર એક ખાસ ધર્મનો વિદેશી નાગરિક (શરણાર્થી) હતો. તરત જ પોર્ટ સિટીના લોકોને ખબર પડી કે તેમના બાળકો પર હુમલો કરનાર બીજું કોઈ નહીં પણ એક વિદેશી અને મુસ્લિમ નાગરિક છે. આ પછી લોકો ગુસ્સે ભરાયા. લોકોને લાગવા માંડ્યું કે વિદેશથી અહીં આશરો લેનારા લોકો અમારા જ બાળકોને મારી રહ્યા છે, અમે સુરક્ષિત નથી.
લોકો મસ્જિદની બહાર એકઠા થયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા
પોર્ટ સિટીના લોકોનો રોષ સરકાર અને પોલીસ સામે ભભૂકી ઉઠ્યો હતો. 94 હજારની વસ્તી ધરાવતા શહેરના લોકો મસ્જિદની બહાર એકઠા થયા અને તેની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. બ્રિટનની પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના વિરોધની આગ વધુ ભડકી ગઈ.અને તોફાનીઓએ પોલીસ પર હુમલો કર્યો.
એક મીડિયા આઉટલેટમાં રમખાણોની તસવીરો પ્રકાશિત
એક સમયે શાંતિ માટે જાણીતા શહેરમાં આવા હુલ્લડો ફાટી નીકળવાની કોઈને અપેક્ષા નહોતી. તોફાનીઓએ પોલીસ પર હુમલો કર્યો. પોલીસે વારંવાર તેમને સમજાવવાની કોશિશ કરી કે હત્યારો કોઈ વિદેશી નથી પણ બ્રિટનમાં જન્મેલો છે અને આ જગ્યાનો રહેવાસી છે અને પોલીસ કસ્ટડીમાં છે, પણ તોફાનીઓ માની રહ્યા ન હતા. લંડનના મીડિયા આઉટલેટ સન્ડે ટાઈમ્સમાં રમખાણોની તસવીરો પ્રકાશિત કરવામાં આવી છે. પોલીસ પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો તે જોઈ શકાય છે.
આ પણ વાંચો : હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા, 24 કલાકમાં ઈઝરાયેલના બે મોટા દુશ્મનોનો ખાત્મો