ઓલિમ્પિક મેન્સ હોકીમાં આયર્લેન્ડ સામે ભારતની 2-0 જીત
નવી દિલ્હી, 30 જુલાઈ : ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગ્રુપ સ્ટેજમાં તેની ત્રીજી મેચ જીતી લીધી છે. તેણે આયર્લેન્ડને 2-0થી કારમી હાર આપી હતી. આ મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે બંને ગોલ કર્યા હતા. હવે પૂલ-બીમાં ભારતીય ટીમની આગામી મેચ 1લી ઓગસ્ટે બેલ્જિયમ સામે થશે.આ પહેલા ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. જ્યારે આર્જેન્ટિના સાથે 1-1થી ડ્રો રહ્યો હતો.
હવે સુકાની હરમનપ્રીત સિવાય ગોલકીપર પીઆર શ્રીજેશે પણ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બે મેચમાં ઘણી ભૂલો કરનાર ભારતીય ટીમે મંગળવારે પૂલ બીની ત્રીજી મેચમાં હાફ ટાઈમ સુધી આયર્લેન્ડ પર સંપૂર્ણ દબાણ જાળવી રાખ્યું હતું. કેપ્ટન હરમનપ્રીત સિંહે 11મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર પહેલો અને 19મી મિનિટે પેનલ્ટી કોર્નર પર બીજો ગોલ કર્યો હતો.
પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે 3-2થી મળેલી જીતમાં હરમનપ્રીતે 59મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર વિજયી ગોલ કર્યો હતો. ત્યારે સોમવારે રિયો ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિના સામે, તેણે 59મી મિનિટમાં પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને ભારતને હારથી બચાવ્યું અને મેચ 1-1થી ડ્રો કરી હતી.