અમદાવાદગુજરાતટોપ ન્યૂઝવિશેષ

અમદાવાદીઓ હવે ઓલા-ઉબેર ટેક્સી મોંઘી થશે, પ્રતિ કિ.મી આટલુ ભાડુ વસૂલશે

Text To Speech

અમદાવાદ, 30 જુલાઈ 2024, શહેરમાં વર્ષોથી ઓટો રિક્ષા શહેરની ઓળખ સમાન રહી છે. ત્યારે હવે ઓનલાઈન એપ દ્વારા ગેરકાયદે સફેદ નંબરપ્લેટ વાળા ટુ-વ્હીલરના વિરોધમાં ગઈકાલે એરપોર્ટ ખાતે ઓટો રિક્ષા ચાલકો અને ટેક્સીચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા ટેક્સીચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જેની સીધી અસર ઓલા અને ઉબેર ટેક્સી બુક કરીને મુસાફરી કરતા મુસાફરોને થશે. ઓલા કંપનીએ ડ્રાઇવરોને પ્રતિ કિમી દીઠ રૂ.20 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે.

કંપનીએ હાલમાં 30 ટકા વધારો કરવાની વાત કરી
અમદાવાદમાં ઓલા એપ્લિકેશન દ્વારા ટેક્સી ચલાવતા ડ્રાઇવરો દ્વારા હડતાળ પાછી ખેંચવામાં આવી છે. જ્યારે ઉબેર ટેક્સીચાલકો દ્વારા પણ હડતાળ પાછી ખેંચવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ હજુ પણ આગેવાનો દ્વારા ઉબેર ટેક્સી ન ચલાવવા માટે ડ્રાઇવરોને સમજાવવામાં આવી રહ્યા છે. ઉબેર એપ્લિકેશન દ્વારા ગાડી પ્રમાણે કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી તેમાં કેટલીક ગાડીને 10, 12 કે 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી. જેની સામે કંપનીએ હાલમાં 30 ટકા વધારો કરીને રકમ ચૂકવવાની ડ્રાઇવરો સાથે વાત કરી છે. પરંતુ ટેક્સી ડ્રાઈવરોને તે મંજૂર ન હોવાથી હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી મુસાફરોને ઉબેર ટેક્સી ન મળે અથવા તો ઓછી મળે તેવી શક્યતા છે.

હવે ડ્રાઈવરોને ભાવવધારો મળશે એ સારી બાબત- યુનિયન
ઓલા કંપની દ્વારા હવે ટેક્સી ડ્રાઇવરોને પ્રતિ કિલોમીટર દીઠ 20 રૂપિયા ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે. એટલે કે, જો ડ્રાઈવરને રૂ. 20 પ્રતિ કિમી ભાડું મળતું હોય તો પેસેન્જરને હવે એક સ્થળથી બીજા સ્થળે જવા માટે અગાઉ કરતાં વધુ ટેક્સી ભાડું ચૂકવવું પડશે.અમદાવાદ સિટી ટેક્સી યુનિયનના આગેવાન કિશોર ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારથી ઓલા, ઉબેર ટેક્સીચાલકોની હડતાળ હતી ત્યારથી આ એપ્લિકેશન દ્વારા સવારી લેતા ડ્રાઇવર માટે ખૂબ મુશ્કેલીભર્યા દિવસો રહ્યા હતા. સિટી ટેક્સી ડ્રાઇવરો દ્વારા ઓલા અને ઉબેર એપ્લિકેશનના આંદોલનમાં સમર્થન આપવામાં આવતું નહોતું. જો ઓનલાઈન કંપનીઓ દ્વારા પ્રતિ કિલોમીટર દીઠ ભાવવધારો કરવામાં આવે એ સારી બાબત છે.

Back to top button