કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી પાંચના મૃત્યુ, સેંકડો લોકો ફસાયા હોવાની આશંકા
વાયનાડ, 30 જુલાઈ : કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે મોટાપાયે જાનમાલના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. આજે મંગળવારે વહેલી સવારે મેપ્પડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં પાંચ બાળકોના મૃત્યુ થયા હતા જ્યારે સેંકડો લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું કે બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘણી ટીમો મોકલવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિક લોકોનું કહેવું છે કે મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની આશંકા છે. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે. જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનથી પ્રભાવિત પરિવારોને વિવિધ કેમ્પમાં અથવા તેમના સંબંધીઓના ઘરે મોકલવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકારના મંત્રીઓ બચાવ કામગીરીનું નેતૃત્વ કરશે
વાયનાડ જિલ્લાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, થોંડરનાડ ગામમાં રહેતા નેપાળી પરિવારના એક વર્ષના બાળક સહિત કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. ચુરલમાલા શહેરમાં એક બાળકનું મૃત્યુ થયું હતું. ભૂસ્ખલનનો વિસ્તાર જોતાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જારી કરાયેલા નિવેદન અનુસાર, રાજ્યના મંત્રી બચાવ પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરવા વાયનાડ જિલ્લામાં પહોંચશે.
આ પણ વાંચો : ઓલિમ્પિક : મેન્સ ડબલ્સ ટેનિસના પ્રથમ રાઉન્ડમાં હાર બાદ રોહન બોપન્નાએ નિવૃત્તિ કરી જાહેર, જુઓ શું કહ્યું
મુંડક્કાઈ, ચુરલમાલા સહિતના કેટલાક વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન, પીડિતોને એરલિફ્ટ કરવાની યોજના
જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામો ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે. રાજ્યમાં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ના ધારાસભ્ય ટી સિદ્દીકીએ સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે વાયનાડ જિલ્લા સત્તાવાળાઓ મુંડક્કાઈ વિસ્તારમાંથી લોકોને એરલિફ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. હાલ ભૂસ્ખલનમાં ગુમ થયેલા અને મૃત લોકો વિશે સંપૂર્ણ માહિતી નથી. એનડીઆરએફના જવાનો એવા સ્થળો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જેની કનેક્ટિવિટી કપાઈ ગઈ છે.
ભારે વરસાદ પછી ભૂસ્ખલન
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે તમામ સરકારી એજન્સીઓ નાગરિકોની મદદ માટે રાહત અને બચાવ કાર્યમાં એક થઈને કામ કરી રહી છે. આરોગ્ય વિભાગના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનએ કંટ્રોલ રૂમ ખોલ્યો છે અને ઇમરજન્સી ફોન નંબર 9656938689, 8086010833 જારી કર્યા છે. આ સિવાય વાયુસેનાના બે હેલિકોપ્ટર MI-17 અને એક ALH સવારે 7.30 વાગ્યે સુલુરથી ઉડાન ભરશે.
NDRFએ પણ રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી
કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, વાયનાડ અને ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં ફાયર બ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની વધારાની ટીમને પણ વાયનાડ મોકલવામાં આવી છે. કેએસડીએમએ મંગળવારે વહેલી સવારે તેના સત્તાવાર ફેસબુક પેજ પર ભૂસ્ખલન વિશે માહિતી આપી હતી. આ પોસ્ટ અનુસાર કન્નુર ડિફેન્સ સિક્યોરિટી કોર્પ્સની બે ટીમોને રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે વાયનાડ જવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : દિલ્હી કોચિંગ સેન્ટર દુર્ઘટના મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બનાવી સમિતિ