બિહારમાં દારૂબંધીનો પર્દાફાશ, માલખાનામાંથી દારૂની ચોરી કરતા પોલીસકર્મીઓ ઝડપાયા
- બિહારના હાજીપુરમાં દારૂની ચોરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને આ ચોરી કરનારા લોકો કોઈ બીજા નહીં પરંતુ પોલીસકર્મીઓજ નીકળ્યા છે. આરોપીઓની ધરપકડ કરીને જેલ મોકલવામાં આવ્યા છે
હાજીપુર, 28 જુલાઈ: બિહારના હાજીપુરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિહારમાં પણ ગુજરાતની જેમ જ દારૂબંધી છે પરંતુ તેમ છતાં લોકો દારુની હેરાફેરી કરતા અનેકવાર પોલીસની ઝપેટમાં આવી ગયા છે. આ વખતે તો પોલીસ વિભાગને પણ નીચુ જોવાનો વારો આવ્યો છે. કેમ કે ચોરોનું કામ અમુક પોલીસકર્મીઓ જ કરવા લાગ્યા હતા. હાજીપુરમાં પોલીસકર્મીઓ જ દારૂની ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
બિહારના હાજીપુરમાં એસપી હર કિશોર રાયે દારૂ ચોરીના આરોપી 4 પોલીસકર્મીઓને જેલમાં મોકલી દીધા છે. વાસ્તવમાં, ભગવાનપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત ત્રણ ચોકીદાર અને કોન્ટ્રાક્ટ પર નિયુક્ત પોલીસ સ્ટેશનના ડ્રાઇવર પર આરોપ છે કે તેઓ જપ્ત કરાયેલ દારૂને માલખાનામાં રાખવાને બદલે ગાયબ કરતા હતા.
તપાસ બાદ એસપીના નિર્દેશ પર કેસ નોંધવામાં આવ્યો છે અને તમામને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ અંગે વૈશાલીના એસપી હર કિશોર રાયે એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું કે ભગવાનપુર પોલીસ સ્ટેશનની પોલીસે સથીઉતા ગામમાંથી 322.36 લિટર દારૂ જપ્ત કર્યો હતો. પરંતુ 1 જૂનના રોજ ભગવાનપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને ખબર પડી કે પકડાયેલો દારૂ 322 લિટરથી વધુ છે અને પોલીસ સ્ટેશનના ચોકીદાર રાજેશ કુમાર, જલંધર પાસવાન, રૂપેશ પાસવાન અને હાઉસ ગાર્ડ સચિન કુમાર અને પોલીસ સ્ટેશન ડ્રાઈવર પપ્પુ કુમાર દ્વારા દારૂના 3 થી 4 કાર્ટનની ચોરી કરવામાં આવી છે.
CCTV ચેક કરતા ચોરી પકડાઈ
આ પછી પોલીસ સ્ટેશનના વડા દ્વારા એસપીને ઘટના વિશે જાણ કરવામાં આવી હતી, જેના પર એસપીએ પોલીસ સ્ટેશનમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. દારૂની ગણતરી કરીને માલખાનામાં રાખતા તમામ આરોપીઓએ કચરાપેટીમાં ફેંકવાના બહાને 2 થી 3 પેટી દારૂની ચોરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ પછી એસપીએ પોલીસ સ્ટેશનના ત્રણ ચોકીદાર અને કોન્ટ્રાક્ટ ડ્રાઇવર વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેમને જેલ મોકલવાના નિર્દેશ આપ્યા હતા.
આ પણ વાંચો: 3 વિદ્યાર્થીનાં મૃત્યુ બાદ IAS કોચિંગ સેન્ટરના માલિક અને સંયોજકની ધરપકડ, RAF તહેનાત