રાજ્યમાં કોરોના ફરી રફતાર પકડી રહ્યો છે. સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 979 કેસ નોધાયા છે. 1000ની આસપાસ કેસ પહોંચતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં આજે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ પછી સુરત, વડોદરા, મહેસાણામાં કોરોના કેસ વધી રહ્યા છે.
રાજ્યમાં કોરોનાએ ફરી ઊંચક્યું માથું
રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 979 નવા કેસ નોંધાયા છે. જોકે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ દરમિયાન એક પણ મોત થયું નથી. છેલ્લા 24 કલાક દરમિયાન 873 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ 5781 એક્ટિવ કેસ છે. જેમાંથી 14 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે. જ્યારે બાકીના 5767 દર્દીઓ હાલ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 10,964 લોકોના મોત થયા છે.
અમદાવાદમાં સૌથી વધુ કેસ નોધાયા
અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 335 જ્યારે જિલ્લામાં 9 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં 49 અને જિલ્લામાં 23 આમ કુલ 72 કેસ નોંધાયા, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 66 નવા કેસ નોંધાયા છે. ઉપરાંત મહેસાણામાં પણ 103 નવા કોરોનાના કેસ નોંધાયા છે.