અમદાવાદ, 27 જુલાઈ 2024, આગામી 29 જુલાઈથી દિલ્હીના જંતરમંતર મેદાનમાં મહિલા કોંગ્રેસ દ્વારા મહિલાઓના ત્રણ મુખ્ય મુદ્દાઓને લઇને દેશવ્યાપી આંદોલન થશે અને ત્યારબાદ રાજ્યકક્ષાએ પણ આંદોલન કરવામાં આવશે. દિલ્હીમાં થનાર મહિલા આંદોલનમાં ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેની ઠુમ્મર સહિત 150થી વધુ મહિલાઓ જોડાવાની છે. આજે ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મરે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર મામલે માહિતી આપી હતી.
આંદોલનની શરૂઆત દિલ્હીથી કરવામાં આવશે
ગુજરાત કોંગ્રેસમાં મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, મહિલાઓના ત્રણ મુખ્ય મુદ્દોને લઈને આંદોલન કરવામાં આવશે. મહિલા અનામત, મોંઘવારી અને સામાજિક ન્યાય તથા સુરક્ષાના મુદ્દે આગામી 29 જુલાઈથી દિલ્હીના જંતરમંતર મેદાનથી મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવશે. સરકાર દ્વારા મહિલાઓને વચન આપીને સત્તા મેળવવામાં આવી છે, પરંતુ ત્રણેય સમયે સત્તા પર આવ્યા બાદ સરકાર વચનો ભૂલી ગઈ છે. જેથી મહિલાઓ નિરાશા થઈ છે. દેશભરની તમામ મહિલાઓ નિરાશ છે, જેથી મહિલાઓ માટે જ મહિલાઓ આંદોલન કરશે. આ આંદોલનની શરૂઆત દિલ્હીથી કરવામાં આવશે.
મહિલાઓ સાથે અત્યાચારની અનેક ઘટના બની
સરકાર દ્વારા 33 ટકા મહિલા અનામતની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સાંસદ અને વિધાનસભામાં અનામતનો અમલ થતો નથી. મહિલાઓ સાથે રાજકીય અન્યાય થઇ રહ્યો છે. જે રાજ્યોમાં આવનાર સમયમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, તે રાજ્યોમાં અનામત લાગુ કરવી જોઈએ. બીજો મુદ્દો મોંઘવારીનો છે. મહિલાઓ મોંઘવારીના કારણે પીડા ભોગવી રહી છે, ઘર કંકાસ થઈ રહ્યો છે. મહાલક્ષ્મી યોજના લાગુ કરવાની હતી, પરંતુ તે પણ થઈ નથી. સામાજિક ન્યાય અને સુરક્ષાના અધિકારીઓની વાત હતી, પરંતુ મહિલાઓ સાથે અનેક બનાવ બને છે.
માંગણી પૂરી નહિ થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે
દેશમાં અને રાજ્યમાં મહિલાઓ સાથે અત્યાચારની અનેક ઘટના બની છે, જેના સામે સુરક્ષાની જરૂર છે.આ ઉપરાંત ગુજરાતમાં તાજેતરમાં જ ટેટ-ટાટ મુદ્દે આંદોલન કરી રહેલા મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. અમે શાંતિપૂર્વક રીતે દિલ્હીમાં આંદોલન કરવા જવાના છીએ, ત્યારબાદ અમારી આંદોલન રાજ્ય કક્ષાએ પણ થશે. ગુજરાતમાં પણ દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ મહિલાઓ આંદોલન કરશે. જ્યાં સુધી માંગણી પૂરી નહિ થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.
આ પણ વાંચોઃભાજપના નેતાએ લોકોની ગાડીઓ ભાડે લઈને દારૂની હેરાફેરી કરવા ઉપયોગ કર્યોઃ જિજ્ઞેશ મેવાણી