કંથારપુરના 500 વર્ષ જૂના વડની વડવાઈઓ તૂટી, ગાંધીનગરથી વનવિભાગના અધિકારીઓ દોડ્યા
ગાંધીનગર, 27 જુલાઈ 2024, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા 500 વર્ષ જુના અને 40 ફૂટની ઊંચાઈ ધરાવતા ઐતિહાસિક કંથારપુર વડની વડવાઈઓ તૂટી જતાં આજે વન અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્યએ મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે. PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા ઐતિહાસિક કંથારપુર વડને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજીત સોળ કરોડનાં ખર્ચે અષ્ટકોણ આકારમાં યાત્રાધામ તરીકે વિકાસની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેનું કામ લાંબા સમયથી ગોકળગાયની ગતિએ થતા હાલ આ અધુરા કામનું માળખું ખંડેર જેવી હાલતમાં જોવા મળી રહ્યું છે.
વડની અનેક ડાળીઓ 20 ટકા જેટલી તૂટી પડી
તાજેતરમાં પડેલા વરસાદના કારણે ઐતિહાસીક કંથારપુરા વડની વડવાઈઓ તૂટી જતા વડની અનેક ડાળીઓ 20 ટકા જેટલી તૂટી પડી છે. મંદિરના પૂજારીનાં કહેવા મુજબ વડની આજુબાજુ દબાણો અને ગંદકીના કારણે વડની વડવાઈઓ જોખમમાંથી મુકાઈ ગઈ છે. બીજી તરફ વડવાઈ તૂટી જવાના અહેવાલો સામે આવતા આજે ગાંધીનગર નાયબ વન સંરક્ષક ચંદ્રેશકુમાર તાત્કાલિક પોતાની ટીમ સાથે કંથારપુરા પહોંચી ગયા હતા. ઉપરાંત સ્થાનિક ધારાસભ્યએ પણ વડની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.નાયબ વન સંરક્ષક ચંદ્રેશકુમારે જણાવ્યું હતું કે, તાજેતરમાં પડેલા વરસાદના કારણે વડની વડવાઈનો અમુક હિસ્સો તૂટી ગયો છે. જેને સપૉર્ટ આપીને ઊભો રાખવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક રીતે વડવાઈઓ તૂટી ગઈ છે.
દર વર્ષે વડ ચારેબાજુ 3 મીટર જેટલી ફેલાય છે
કંથારપુર ગામે 500 વર્ષ જુનો વડ મહાકાલીના વડથી પણ ઓળખાય છે. આ વડની ઊંચાઈ 40 મીટર જેટલી છે. આ વડ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે, વડના થળમાં મહાકાલીનું મંદિર પણ આવેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ મહાકાલીના દર્શન માટે આવતા હતા.દર વર્ષે વડ ચારેબાજુ 3 મીટર જેટલી ફેલાય છે. વડની આયુષ્ય 500 વર્ષ માનવામાં આવે છે. વડને કારણે અહીં પ્રવાસન પણ વિક્સયું છે.
આ પણ વાંચોઃ ગુજરાતને 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન US ડોલરની અર્થવ્યવસ્થા બનાવીશુંઃ મુખ્યમંત્રી