ગેરકાયદેસર અમેરિકા જવાનો મોહ ભારે પડ્યો, ઘૂસણખોરી કરતાં 150 ગુજરાતીઓ પકડાયા
અમદાવાદ, 27 જુલાઈ 2024, અમેરિકામાં ઘૂસણખોરી કરવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યાં છે. ત્યારે અંદાજે 150થી વધુ ગુજરાતીઓ ગેરકાયદે અમેરિકામાં ઘૂસતા ઝડપાયા હોવાના અહેવાલ છે. આ લોકોમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના યુવાનો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મેક્સિકો બોર્ડરથી ઘૂસણખોરી કરતાં પકડાઈ ગયાં છે. આ તમામ લોકોને ગમે ત્યારે ડિપોર્ટ કરવામાં આવી શકે છે. સુત્રો એવું જણાવી રહ્યાં છે કે, ઝડપાયેલા તમામ લોકોને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. ભારતીયોમાં 150થી વધુ ગુજરાતીઓ છે.
દિલ્હીના એજન્ટોએ બધા પાસેથી રૂપિયા લઈ લીધા
સુત્રોના જણાવ્યા પ્રમાણે એકાદ મહિના પહેલા ઉત્તર ગુજરાતના 150 જેટલા યુવાનો અમેરિકા જવા માટે નીકળ્યા હતાં. તેઓ અમેરિકા જવા માટે યુરોપ થઈને ચાર્ટડ પ્લેનમાં લેટિન અમેરિકાના કોઈ પ્રદેશમાં ઉતર્યા હતાં. ત્યાંથી ચાલીને મેક્સિકો સુધી આવ્યા હતાં અને એક સપ્તાહ પહેલાં મેક્સિકોથી અમેરિકાની બોર્ડરમાં ઘૂસતા ઝડપાઈ ગયાં છે. સામાન્ય રીતે યુરોપથી આવતા લોકોએ મેક્સિકોની ઓનઅરાઈવલ પરમીટ લેવી પડતી હોય છે પરંતુ ચાર્ટડ પ્લેનમાં જે લોકો ગયા હતાં તેમણે કોઈ પરમીટ લીધી નહોતી. તેમના એજન્ટોએ પાસપોર્ટ પર મેક્સિકોના નકલી સ્ટિકર લગાવી દિલ્હીના એજન્ટોએ બધા પાસેથી રૂપિયા લઈ લીધા હતા. ત્યાર બાદ બધાને મેક્સિકો બોર્ડરથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી હતી.
ઓથોરિટીએ અસાયલમનું કારણ ફગાવી દીધું
અમેરિકામાં ઘૂસતાં પકડાઈ જાય તો અમેરિકાના કાયદા મુજબ તેઓ આવા લોકોને અસાયલમ આપે છે. અમેરિકાની બોર્ડર પોલીસે પાસપોર્ટ ચેક કરતાં એમાં મેક્સિકોના સિક્કા ખોટા હોવાનું સામે આવ્યું હતું. આથી ઓથોરિટીએ અસાયલમનું કારણ ફગાવી દીધું હતું અને વધુ પૂછપરછ કરી હતી.ઓફિસરે તેમને પૂછ્યું હતું કે તમારા પાસપોર્ટમાં આ મેક્સિકોના સિક્કા ખોટા છે એનો જવાબ આપો. તમે ખોટું કરીને આવ્યો છો. તમે મેક્સિકો ઊતર્યા જ નથી. તમે બહારની બીજી કન્ટ્રીમાંથી આવ્યા છો. કડક પૂછપરછ બાદ ઘૂસેલા લોકોએ સ્વકારી લીધું હતું કે સિક્કા ખોટા છે અને મેક્સિકોમાં એજન્ટોએ લગાવ્યા છે. ઝડપાયેલા તમામ લોકોને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. ભારતીયોમાં 150થી વધુ ગુજરાતીઓ છે. અમેરિકામાં ડિપોર્ટ થઈને ભારત પહોંચશે તો બધા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃઅમેરિકામાં મોટી પ્લેન દુર્ઘટના, અનેક લોકોના થયા મૃત્યુ, જંગલમાં લાગી ભીષણ આગ