રાજકોટના લોકમેળામાં સ્ટોલ ધારકો માટે 44 નિયમો, સોગંદનામું કરવું ફરજિયાત
રાજકોટ, 27 જુલાઈ 2024, શહેરમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ રેસકોર્સ મેદાનમા આગામી 24થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકમેળાનું આયોજન કરવામા આવ્યું છે. આ પાંચ દિવસના લોકમેળામાં રોજ 5થી 6 લાખ લોકો મેળાને માણે છે. 5 દિવસમાં 25 લાખથી વધુ લોકો આ મેળાની મુલાકાત લે છે. લોકમેળામાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય એ માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પ્લોટધારકો માટે વહીવટી તંત્રએ 44 નિયમ બનાવ્યા છે અને નિયમોનું પાલન કરવા સોગંદનામું કરવું ફરજિયાત છે.
ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ તહેનાત રાખવામાં આવશે
PGVCL દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ, દરેક સ્ટોલ અને પ્લોટ પર CCTV અને અગ્નિશામક યંત્રો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. સ્ટોલ અને પ્લોટની સંખ્યા 30 ટકા ઘટાડવામાં આવી છે, જેને લીધે ભાડું મોંઘું થશે. આગ લાગે કે મેડિકલ ઇમર્જન્સી આવે ત્યારે ફાયર ફાઈટર અને 108 એમ્બ્યુલન્સ સરળતાથી પહોંચી શકે. 5 એન્ટ્રી ગેટ પર ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ તહેનાત રાખવામાં આવશે, સાથે જ ભીડને કંટ્રોલ કરવા ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે આ વખતે લોકમેળામાં ભીડ ન થાય એ માટે સ્ટોલની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. 2 નવા એન્ટ્રી ગેટ આ વખતે રાખવામાં આવ્યા છે.
સ્ટોલ -પ્લૉટ ધારકોએ આ 44 નિયમોનું પાલન કરવુ ફરજીયાત
1) લોકમેળા સમય સવારે 8 થી રાત્રીના 23.00 એટ્લે કે 11 વાગ્યા સુધીનો રહેશે.
(2) સ્ટોલ/પ્લોટ ધારકે અસલ કબજા પાવતી એલોટમેન્ટ લેટર, ઓળખપત્ર લોકમેળા દરમ્યાન સ્ટોલ/પ્લોટ ઉપર સતત રાખવાનું રહેશે. તેમજ સ્ટોલ/પ્લોટ ટ્રાન્સફર થઈ શકશે નહીં. અને ટ્રાન્સફર થયાનું માલુમ પડયે ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે જે અંગે કોઈ તકરાર ચાલી શકશે નહિ.
(3) સ્ટોલમાં વેચાતા માલ / ખાધ્ય પદાર્થો વગેરેના ભાવ બજારભાવ પ્રમાણે રાખવાના રહેશે અને જાહેરમાં દેખાય તે રીતે ભાવના બોર્ડ મુકવાના રહેશે.
(4) કોઈ સ્ટોલ ધારક દ્વારા મહતમ વેંચાણ કિંમત (MRP) થી વધારે કિંમત વસુલ કરવામા આવશે તથા અન્ય કોઈ પ્રકારે ગ્રાહક સાથે છેતરપીંડી કર્યાની ફરીયાદ મળશે તથા આ બાબતે અન્ય કોઈ ગેરરિતી માલુમ પડશે તો એલોટમેન્ટ લેટર રદ કરવામાં આવશે અને ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે.
(5) સ્ટોલ / પ્લોટની અંદરનો માલસામાન સાચવવાની જવાબદારી જે તે સ્ટોલ રાખનારની રહેશે.
(6) સંજોગોવસાત વિજળી પૂરવઠો ખોરવાઈ જાય તો સ્ટોલ હોલ્ડરે પોતે પોતાની રીતે વૈકલ્પિક સગવડતા રાખવી પડશે.
(7) કોઈપણ જાતના અકસ્માત અંગેની સમિતિની કોઈપણ જાતની જવાબદારી રહેશે નહિ.
(8) જે હેતુ માટે સ્ટોલ/પ્લોટ માંગણી કરવામાં આવી હશે તે હેતુ માટે જ સ્ટોલ / પ્લોટનો ઉપયોગ કરવાનો રહેશે.
(9) સ્ટોલ / પ્લોટ જે સ્થિતિમાં સોંપવામાં આવેલ હશે તે જ સ્થિતિમાં મેળો પુરો થયા પછી પાછો સોંપવાનો રહેશે.
(10) કોઈ પણ સ્ટોલ / પ્લોટ પર જુગારની વ્યાખ્યામાં આવે કે અનૈતિક લાગે તેવી રમતને પરવાનગી આપવામાં આવશે નહિ. આવી કોઈ પ્રવૃત્તિ સ્ટોલમાં ચાલતી દેખાશે તો તાત્કાલિક સ્ટોલ ખાલી કરાવવામાં આવશે. અને ડીપોઝીટની રકમ તથા ભાડાની રકમ જપ્ત કરવામાં આવશે.
(11) દરેક સ્ટોલ / પ્લોટ હોલ્ડરોએ પોતાના ધંધાને લગતા એવા જરૂરી લાયસન્સો, પરવાનગી અથવા પરમીટો જે તે કાયદા નીચે સંબંધિત ખાતા પાસેથી મેળવી લેવાના રહેશે. અને તે સ્ટોલનો કબજો લેતી વખતે સમિતિને બતાવવાના રહેશે.
(12) કોવિડ અથવા કોઈપણ કારણસર લોકમેળો ચાલુ થયા પહેલા બંધ રાખવાની ફરજ પડે તો તમામ ખર્ચ બાદ કરીને બાકીની રકમ જે રહેશે તે પરત કરવામાં આવશે જેમાં કોઈપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહિ. પરંતુ મેળો ચાલુ થાય પછી કોઈપણ કારણોસર મેળો બંધ રહે તો ભાડાની રકમ પરત મળશે નહિ.
(13) સ્ટોલ પ્લોટધારકોએ કચરાના નિકાલ માટે સ્ટોલ પાસે કચરાપેટી રાખવી ફરજીયાત છે. અને ભેગો થયેલ કચરો આર.એમ.સી.ની કચરો નિકાલ કરવાની પેટીમાં નાખવાનો રહેશે. ચૂક કરનાર આરોગ્ય સમિતિ દ્વારા દંડને પાત્ર ઠરશે.
(14) કેફી પદાર્થ, માંસાહારી પદાર્થ, ઈંડા (Egg) કે તેની બનાવટનું તેમજ સ્ફોટક વસ્તુઓનું વેચાણ લોકમેળામાં થઈ શકશે નહિ.
(15) મેળામાં મેળાના સમય દરમ્યાન કોઈપણ જાતનું વાહન લાવવા દેવામાં આવશે નહિં.
(16) સ્ટોલ / પ્લોટમાં દરેક પ્રકારે ચોખ્ખાઈ રાખવાની રહેરો, આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી થઈ શકશે નહી તેમજ વેચવાની થતી વસ્તુ સારી ગુણવતાવાળી અને વ્યાજબી ભાવવાળી હોવી જોઈએ.
(17) સ્વચ્છતા તથા આરોગ્ય અંગેના સરકારના પ્રવર્તમાન નીતિનિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(18) દરેક સ્ટોલ/પ્લોટ હોલ્ડરે અગ્નિશમન સાધનો પોતાના ખર્ચે રાખવાના રહેશે.
(19) સ્ટોલ તથા માલ સામાનનો વિમો ઉતારી લેવાની જવાબદારી મંજુર થયેલ સ્ટોલ હોલ્ડર/પ્લોટ ધારકની રહેશે.
(20) ઈલેકટ્રીસીટી બાબતે લોકમેળા સમિતિએ નકકી કરેલા નિયમોનું પાલન કરવાનું રહેશે જે નીચે મુજબ છે.
(20.1) અધિકૃત અધિકારી દ્વારા જરૂરી ન વાંધા પ્રમાણપત્ર મેળવ્યા બાદ તેમજ જરૂરી કનેકશન મંજુરી મેળવ્યા બાદ જ લાઈટ પુરવઠાનો ઉપયોગ કરી શકાશે. અનધિકૃત રીતે વિધુત પુરવઠાનો ઉપયોગ કરી શકાશે નહીં. દરેક સ્ટોલ / પ્લોટ માટે સમિતિ તરફથી લાઈટ માટે એક પોઈન્ટ આપવામાં આવશે જેમાંથી 100 વોલ્ટ ઉપયોગ કરી શકાશે. અને તેમાં સમિતિની લેખિત પૂર્વ મંજુરી વિના ફેરફાર કરી શકાશે નહિ. એકસ્ટ્રા લાઈટ ચાર્જ અલગ લેવાશે. સમિતિની લેખિત પૂર્વ મંજુરી તેના વધારે વોલ્ટનો ઉપયોગ કરવામાં આવશે તો તે હોલ્ડરનો પ્લોટ ખાલસા કરવામાં આવશે અને ભાડુ તથા ડિપોઝીટની રકમ જપ્ત કરવામાં આવશે.
(20.2) દરેક સ્ટોલના માલિકોને સીંગલ ફેઈઝ અથવા થ્રી ફેઈઝ વીજ જોડાણમાં જરૂરીયાત મુજબ નક્કી થયેલ જગ્યા પ્રમાણે આપવામાં આવશે. અને ત્યાંથી સ્ટોલના માલિકોએ તેમનાં વિધુત ઉપકરણોના જોડાણની વ્યવસ્થા સ્ટોલનાં માલિકોએ પોતે અધિકૃત ઈલેકટ્રીક કોન્ટ્રાકટરો મારફત કરાવવાની રહેશે.
(20.3) દરેક સ્ટોલના માલિકોએ તેમનાં વિદ્યુત જોડાણનાં લોડની વિગત તથા તેઓએ રાખેલ ઈલેકટ્રીક સ્ટાફનાં નામે પરમીટ નંબર લેખિતમાં લોકમેળા વિદ્યુત સમિતિને આપવાના રહેશે તેમજ તેઓએ કરાવેલ વાયરીંગ ટેસ્ટ રીપોર્ટ પણ લોકમેળા વિદ્યુત સમિતિને આપવાનો રહેશે. ત્યારબાદ જ તેમનું વીજ-જોડાણ ચાલુ કરવામાં આવશે.
(20.4) દરેક સ્ટોલના માલિકે તેઓએ કરાવેલ આંતરિક વાયરીંગની ખામી અથવા ખામીવાળા ઉપકરણને લીધે શોર્ટ સર્કિટ થશે અથવા કોઈ અકસ્માત થશે તો તે તેના માટે સ્ટોલનાં માલિક પોતે જવાબદાર ગણાશે.
(20.5) યાંત્રિક આઈટમ ફજત, આઈસ્ક્રીમ ચોકઠા જેમાં વિદ્યુત ઉપકરણો વપરાશમાં હશે તેનાં સ્ટોલોનાં માલિકોએ પોતાના ખર્ચે જરૂરી કેપેસીટીની ઈ.એલ.સી.બી. ચાલુ કન્ડીશનમાં ગેઈન સપ્લાઈમાં મુકવી ફરજીયાત છે. તેની ચકાસણી વિદ્યુત નિરીક્ષક અથવા તેમના પ્રતિનિધિ પાસેથી કરાવી લેવાની રહેશે. જો આ અંગે કોઈ વિવાદ ઉપસ્થિત થશે તો અત્રેનો નિર્ણય આખરી મનાશે.
(20.6) આકસ્મિક સંજોગોમાં જો જી.ઈ.બી. તરફથી વીજ-પુરવઠામાં વિક્ષેપ પડશે તે દરમ્યાન સ્ટોલોમાં વીજ-પુરવઠા મળી શકશે નહીં અને વીજ પુરવઠાના અભાવે આઈસ્ક્રીમ સ્ટોલવાળા, ઠંડા-પીણાનાં સ્ટોલવાળાનાં માલને કોઈ નુકશાની થશે તો તેની જવાબદારી લોકમેળા સમિતિની રહેશે નહીં.
(20.7) સ્ટોલ / પ્લોટ ધારકો તરફથી કાયદેસરના વીજ પુરવઠા કરતા વધારે વીજ પુરવઠાનો ગેરકાયદેસર ઉપયોગ કરશે તે સ્ટોલ / પ્લોટને અપાતી ઈલેક્ટ્રીક સમિતિ રદ કરવામાં આવશે અને ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે. તથા બ્લેક લીસ્ટમાં મુકવામાં આવશે.
(20.8) ઈલેક્ટ્રીક સમિતિ દ્વારા ઈલેકટ્રીકની જરૂરીયાત મુજબ સમિતિ તરફથી જે ચાર્જ નકકી થાય તે મુજબ રકમ ઈલેકટ્રીક સમિતિને ભરપાઈ કરવાની રહેશે.
(21) કેટેગરી જે મધ્યમ ચકરડી તથા કેટેગરી કેન્દ્ર, કે-2 નાની ચરકડી માટે પ્રવેશ દર મહત્તમ રૂ.30 તેમજ કેટેગરી ઈ, એફ, જી-1, જી-2, એચ યાંત્રિક આઈટમોના પ્રવેશ દર મહત્તમ રૂ.40 લેવાના રહેશે. તેમ છતા કોઈ પણ પ્લોટ ધારકો દ્વારા પ્રવેશ દર નક્કી કરેલ મહત્તમ પ્રવેશ દર કરતાં વધુ લેતા જણાશે તો તેવા સંજોગોમાં તાત્કાલિક વગર નોટીસે જગ્યા ખાલી કરાવવાનો અધિકાર લોકમેળા સમિતિને રહેશે તેમાં કોઈપણ વાંધો તકરાર ચાલશે નહિ. તેમજ ડિપોઝીટ તથા ભાડાની સ્કમ જપ્ત કરવામાં આવશે.
(22) જેના નામે પ્લોટ- સ્ટોલ મંજુર થયેલ હોય તે અંગે પ્લોટ / સ્ટોલ રાખનારનું પુરૂ નામ-સરનામું, સ્ટોલ નંબર તથા સ્ટોલ / પ્લોટનાં હેતુ દર્શાવતું બોર્ડ લોકો જોઈ શકે તે રીતે સ્ટોલ / પ્લોટ ઉપર મૂકવાનું રહેશે. અને સ્ટોલ ધારકોને આપેલ ઓળખ કાર્ડ સ્ટોલ ઉપર જ રાખવાનું રહેશે.
(23) મેળામાં ઉપયોગમાં લેવાનાર યાંત્રિક સાધનો ધરાવનારે યાંત્રિક સાધનના માલિકનું પુરૂ નામ, સરનામું તથા પાસપોર્ટ સાઈઝના ફોટા સાથેની માહિતી કાર્યપાલક ઈજનેર યાંત્રિક માર્ગ અને મકાન વિભાગ (શહેર) રાજકોટ શહેરને આપવાની રહેશે અને આ તમામ યાંત્રિક સાધનોની ચકાસણી સાધનદીઠ ચકાસણી ફી નકકી થવા મુજબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન શહેર વિભાગ, રાજકોટ શહેર પાસે જમા કરાવીને ઉપયોગમાં લેવાનાં બે દિવસ અગાઉ ચકાસણી કરાવી લેવાની રહેશે અને તે અંગેની તેઓની પાસે યંત્રની યોગ્યતાનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે અને તે સ્પષ્ટ જોઈ શકાય તે રીતે પ્રસિદ્ધ કરવાનું રહેશે. આગ, અકસ્માત અંગે જે તે પ્લોટ ધારકે વીમો ઉતરાવવાનો રહેશે. ત્યાબાદ જ યાંત્રીક સાધનો વાપરવા દેવામાં આવશે.
(24) ડ્રો / હરરાજીમાં નિયત તારીખ સુધીમાં ફોર્મ રજૂ કરનાર વ્યકિત જ ભાગ લેવા લાયક ગણાશે, હરરાજી બાદ તફાવતની રકમ દિન-1 માં ભરપાઈ કરવાની રહેશે. સમિતિના બાકીદાર હશે તે લોકમેળેળામાં સ્ટોલ / પ્લોટ મેળવવા લાયક ગણાશે નહીં.
(25)લોકમેળાની મુદતમાં વધારો કરવામાં આવે તો વધારાના દિવસના ભાડાની રકમ અધ્યક્ષ, લોકમેળા સમિતિ દ્વારા નકકી કરવામાં આવે તે રકમ લોકમેળા સમિતિમાં જમા કરાવવાની રહેશે.
(26) કોઈપણ સ્ટોલ / પ્લોટ ઉપર કોઈપણ પ્રકારની જાહેરાતના હકકો લોકમેળા સમિતિના જ રહેશે. સ્ટોલ / પ્લોટ ધારકો સ્ટોલના બહારના ભાગમાં પરવાનગી વગર કોઈપણ પ્રકારની જાહેરાતનું બેનર-બોર્ડ રાખી શકશે નહી.
(27) કોઈપણ પ્લોટ/સ્ટોલ ધારકો માઈક-સાઉન્ડનો કે ધ્વની વર્ધક કોઈપણ સાધનનો ઉપયોગ પરવાનગી વિના કરી શકશે નહી.
(28) લોકમેળાના તમામ સ્ટોલ / પ્લોટ ધારકોએ સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર નક્કી થયેલ દર મુજબ GST કે અન્ય લાગુ પડતા કરવેરા, ફી, ટેક્ષ વિગેરેની ભરવાપાત્ર એડવાન્સ રકમ ભરવાની રહેશે.
(29) ઉપરોકત શરતો પૈકી કોઈપણ શરતનું ઉલ્લંઘન થયે તાત્કાલિક અમલીકરણ અધિકારી ઉલ્લંધન કરનારને લોકમેળામાંથી દુર કરવામાં આવશે. અને જે કાંઈ ભાડું કે ડીપોઝીટ ભરેલ હશે તે ખાલસા થશે.
(30) સમિતિ મારફત મળેલ સ્ટોલ/પ્લોટ અથવા તો જગ્યા સિવાયની વધારાની જગ્યા ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવશે તો તાત્કાલીક વગર નોટીસે સ્ટોલ અથવા જગ્યા ખાલી કરાવવામાં આવશે, તેમજ ડિપોઝીટ તથા ભાડાની રકમ પણ જપ્ત કરવામાં આવશે.
(31) સ્ટોલ / પ્લોટ અંગેના નિયમો, કાયદા આધારિત નિયમો તથા લોકમેળા સમિતિ તરફથી સંજોગો અનુસાર જે નિયમો હવે પછી બહાર પાડવામાં આવે તે પ્લોટ/સ્ટોલ ધારકને માન્ય અને બંધનકર્તા છે.
(32) મેળાની તારીખમાં, સમયમાં તેમજ કોઈપણ જાતની કાર્યવાહીમાં ફેરફાર કરવાનો લોકમેળા સમિતિને હક્ક છે તે માટે કોઈપણ જાતનો વાંધો, તકરાર ચાલશે નહીં અને લોકમેળા સમિતિનો નિર્ણય આખરી નિર્ણય ગણાશે. તેમજ લોકમેળા સમિતિની સૂચનાનો અમલ કરવાનો રહેશે.
(33)કોઈપણ મતભેદ સમયે કલેકટર અને અધ્યક્ષ – લોકમેળા સમિતિ રાજકોટનો નિર્ણય આખરી ને બંધનકર્તા રહેશે.
(34) જે તે પ્લોટ/સ્ટોલ ધારકે ડસ્ટબીન મુકવાની રહેશે
(35) સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહિ.
(36) કોઈપણ રાાઈડઝ- પ્લોટ ધારકોએ કેબિન રાખવી નહિ તેમજ રાત્રે ત્યાં કોઈ અનધિકૃત વ્યક્તિ કે મજૂર રોકાણ કરી શકશે નહિ.
(37) જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ વગર કોઈપણ રાઈડઝ ચાલુ કરી શકાશે નહિ
(38) રાઈડ ધારકોએ જરૂરી લાયકાત ધરાવતા કન્સલટન્ટ પાસેથી ટેસ્ટ રિપોર્ટ મેળવ્યા બાદ જ આર એન્ડ બી ઈલેકટ્રીકલ તેમોને વીજ કનેક્શન આપશે.
(39) તમામ રાઈડ/સ્ટોલ ધારકોએ સ્વખર્ચે ELCB /RCCB લગાવવાની રહેશે.
(40) નાની ચકરડીઓ માટેના પ્લોટમાં ફકત નોન ઈલેકટ્રીક રાઈડસ એટલે કે હાથેથી ચાલતી ચકરડીઓ જ મુકવાની રહેશે. કોઈપણ પ્રકારનો ઈલેકટ્રીક સપ્લાય મેળવી શકાશે નહિ.
(41) દરેક સ્ટોલ/સાઈડ ધારકો પૈકી નાના પ્લોટ/સાઈડ ધારકોએ (1) Fire Extinguisher તેમજ મોય પ્લોટ/સાઈડ ધારકોએ (2) Fire Extinguisher ફરજિયાત પણે મુકવાના રહેશે.તેમજ તેના ઉપયોગ માટેની જરૂરી તાલિમ સ્વખર્ચે મેળવી લેવાની રહેશે.
(42) તમામ રાઈડ/પ્લોટ ધારકોએ ફરજિયાતપણે CCTV કેમેરા લગાવવાના રહેશે તેમજ તેનું રેકોર્ડિંગ 30 દિવસ સુધી સાચવી રાખવાનું રહેશે.
(43) રાઈડ ધારકો/સંચાલકોએ રાઈડસ પર કોઈપણ પ્રકારનું વધારાનું ઈલેક્ટ્રોનિક કે લાઈટીંગનું ડેકોરેશન કરવું નહિ કે આર એન્ડ બી ઈલેકટ્રકી વિભાગના સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય કોઈપણ પ્રકારનું વધારાનું વાઇરીંગ કરવું નહિ
(44) આ સાથે સામેલ નિયત નમૂના મુજબનું બાહેંધરી પત્રક ભરી તેમાં ઈલેકટ્રીકલ કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝરના સહિ-સિકકાથી પ્રમાણિત કરી વિધુત નિરીક્ષક, રાજકોટની કચેરીએ જમાં કરાવવાનું રહેશે.વિધુત નિરીક્ષક પાસેથી નો-ઓબ્જેકશન સટિફિકેટ (NOC) મેળવ્યા બાદ જ વિધુત સપ્લાય ચાલુ કરવામાં આવશે. ઉપર મુજબના નિયમો મેં પૂરેપુરા વાંચેલ છે અને તે નિયમો અમોને માન્ય છે તે બદલ નીચે સહી કરી આપેલ છે.
આ પણ વાંચોઃરાજકોટમાં DCP પૂજા યાદવે ભાજપના નેતાઓની 3 કાર ડીટેન કરતાં મામલો બીચક્યો