બનાસકાંઠા : સુઈગામ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ રૂપિયા 8,000 ની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો
- એસીબી એ ગામઠી વેશ ધારણ કરીને ઝડપી લીધો
બનાસકાંઠા 27 જુલાઈ 2024 : બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા સુઈગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદીના વેવાઈ સામે પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીમાં સમાધાન કરાવવા પેટે ₹8,000 ની લાંચ માગતા ઝડપાઈ ગયો હતો.
આ અંગેની હકીકત એવી છે કે, સુઈગામ પોલીસ સ્ટેશનમાં એક ગૃહસ્થના વેવાઈ પર અરજી થઈ હતી. જેની તપાસ સુઈગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તલોજકુમાર વિહાભાઈ વેણ કરી રહ્યા હતા. જેમાં અરજીમાં સમાધાન કરાવી તેનો નિકાલ કરાવવા પેટે તેમણે રૂપિયા 8,000 ની લાંચ ની માગણી કરી હતી. આ અંગે ગૃહસ્થે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે એસીબીના અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારનો પહેરવેશ લોકો પહેરે છે, તેવો ગામઠી વેશ ધારણ કરીને બેણપ ગામમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં હેડ કોન્સ્ટેબલ તલોજકુમાર વેણ ₹8,000 ની લાંચ લેતા આબાદ રીતે પકડાઈ ગયો હતો.
એસીબીએ રૂ. 8,000 લાંચ ની રકમ જપ્ત કરીને આરોપી તલોજકુમારને ડિટેઇન કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લાની વિવિધ કચેરીઓમાં ભ્રષ્ટાચારને લઈને અનેક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે લાંચિયા અધિકારીઓ એક પછી એક હવે પકડાઈ રહ્યા છે. જેને લઈને જિલ્લામાં આ બાબત ચર્ચાસ્પદ બનવા પામી છે.
આં પણ વાંચો : અમદાવાદના ભાજપના નેતા અને પોલીસકર્મી દારૂની હેરાફેરી કરતાં પકડાયા