ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નકલી કોલ સેન્ટર દ્વારા કરી કરોડોની લૂટ, CBI અને FBIએ મળી કર્યો પર્દાફાશ

  • કમ્પ્યૂટર સ્ક્રીન પર નકલી પોપ અપ (ફ્લેશ મેસેજ) મેસેજ બતાવીને લોકોને છેતરવામાં આવતા હતા. સીબીઆઈનું માનવું છે કે આ ટોળકીએ 20 મિલિયન ડૉલર એટલે કે લગભગ 168 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે

દિલ્હી, 27 જુલાઈ: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને અમેરિકન તપાસ એજન્સી FBIએ એક મોટી સાયબર ક્રાઈમ ગેંગનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઈ અને એફબીઆઈએ મળીને દિલ્હી-એનસીપીમાં ઓપરેશન ચક્ર ચલાવ્યું અને 7 સ્થળોએ દરોડા પાડ્યા અને 43 લોકોની ધરપકડ કરી છે. આ લોકો ગુરુગ્રામ, નોઈડા અને દિલ્હીમાં નકલી કોલ સેન્ટર દ્વારા સાયબર છેતરપિંડી કરતા હતા. આ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ સાયબર ક્રાઈમને લગતી ઘણી પ્રવૃત્તિઓ લાઈવ પણ જોઈ છે.

ગુરુગ્રામમાં બેઠા-બેઠા વિદેશી દેશોમાં પણ ચલાવી લૂટ

આ ગેંગ અહીં દિલ્હી બેઠા-બેઠા અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપના અનેક દેશોમાં લોકોને ફોન કરીને તેમના બેંક ખાતા ખાલી કરાવતી હતી. આ સિન્ડિકેટનો નટવરલાલ ગુરુગ્રામથી બેસીને છેતરપિંડીનું સમગ્ર કૃત્યને અંજામ આપતો હતો. એક અધિકારીએ જણાવ્યું કે આ ટોળકીએ સમગ્ર વિશ્વમાં બે કરોડ ડૉલર (આશરે રૂ. 168 કરોડ)થી વધુની છેતરપિંડી કરી છે. હાલમાં દસ્તાવેજો, મોબાઈલ વોલેટ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ કરવામાં આવી રહી છે જેથી છેતરપિંડીનો ચોક્કસ આંકડો જાણી શકાય.

CBI-FBI અને ઈન્ટરપોલે શરુ કર્યું ઓપરેશન ચક્ર-III

સૂત્રોએ જણાવ્યું કે ‘ચક્ર-III’ નામના આ ઓપરેશનમાં અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) અને ઈન્ટરપોલ પણ સામેલ હતા. સૂત્રોએ જણાવ્યું કે આ ગેંગ 2022થી ઘણા દેશોમાં લોકોને છેતરતી હતી.

CBIએ દરોડો પાડતા થયા અનેક ખુલાસા

સીબીઆઈની તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે આ ગેંગ ગુરુગ્રામના કોલ સેન્ટરમાંથી દુનિયાભરમાં સાયબર ક્રાઈમને અંજામ આપતી હતી, ત્યારબાદ અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું કે દરોડા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. તેમણે કહ્યું, ‘અમે 5 લેપટોપ, 130 હાર્ડ ડિસ્ક, 65 મોબાઈલ ફોન, ઘણા દસ્તાવેજો, નાણાકીય વ્યવહારોની વિગતો, કોલ રેકોર્ડિંગ, પીડિતોની માહિતી અને ઘણી સ્ક્રિપ્ટ્સ રિકવર કરી છે. આ લખેલી સ્ક્રિપ્ટો વાંચીને આ સાયબર ઠગ અન્ય દેશોમાં બેઠેલા લોકોને નિશાન બનાવતા હતા.

કમ્પ્યૂટર સ્ક્રીન પર ફ્લેશ મેસેજ મોકલી કરતા હતા બેંક ખાતું ખાલી

આ ટોળકી એક મોટી કંપની તરીકે લોકોને નકલી ફ્લેશ મેસેજ મોકલી અને લિંક પર ક્લિક કરવાનું કહેતી હતી. આ ફ્લેશ મેસેજમાં એવું વાયરસ હતું કે જે કમ્પ્યૂટરમાં પ્રવેશ લઈ લેતું હતું અને ત્યાર બાદ તે ટોળકી તેનો શિકાર બનાવતા હતા. પ્રવક્તાએ કહ્યું, ‘આ પછી પીડિતોને તેમના ઉપકરણને રિપેર કરાવવા માટે પૈસા ચૂકવવા માટે દબાણ કરવામાં આવતું હતું.’ તપાસકર્તાઓનું માનવું છે કે આ નાણાં ઘણા દેશો દ્વારા હોંગકોંગ મોકલવામાં આવતા હતા.

પહેલા ફોનમાં વાયરસ નાખતા અને પછી તેને ઠીક કરવાના પૈસા માંગતા

કમ્પ્યૂટર સ્ક્રીન પર અચાનક દેખાતા (ફ્લેશ મેસેજ) નકલી મેસેજ બતાવીને લોકોને છેતરવામાં આવતા હતા. આ મેસેજોમાં સુરક્ષાનો ખતરો કે વાયરસનો ડર બતાવવામાં આવતો હતો. આ ઉપરાંત, એક નંબર પણ રાખતા હતા, જેને ટેક્નિકલ હેલ્પલાઇન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તે નંબર પર કોઈ પણ ફોન કરતા તો તે ગુરુગ્રામના કોલ સેન્ટર સાથે કનેક્ટ થતો હતો અને ત્યાર બાદ ત્યાં બેઠેલા ઠગ ટેક્નિકલ એક્સપર્ટ હોવાનો ઢોંગ કરીને લોકોને તેમના ડિવાઈસની ઍક્સેસ આપવા માટે સમજાવતા હતા. એકવાર તેમને એક્સેસ મળી ગયા પછી આ ઠગ ઉપકરણમાં વાયરસ નાખતા હતા અને પછી તેને ઠીક કરવાના નામે પૈસા માંગતા હતા.

દુનિયાભરના હજારો લોકો આ જાળમાં ફસાયા: CBI

સીબીઆઈનું માનવું છે કે દુનિયાભરના હજારો લોકો આ જાળમાં ફસાઈ ગયા છે અને કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ છે. હાલ CBI આ નાણાને શોધીને આ સમગ્ર રેકેટ પાછળના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. એજન્સી એફબીઆઈ અને ઈન્ટરપોલ દ્વારા આ મામલે અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે પણ કામ કરી રહી છે.

આ પણ વાંચો: ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં જોરદાર ઉછાળો: 670 બિલિયન ડૉલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું

Back to top button