વડોદરાના ગોરવા વિસ્તારમાં દેશીદારૂ વેચતી મહિલા બુટલેગરને ત્યાં જનતા રેડ, વીડિયો વાઇરલ
વડોદરાઃ બોટાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ વડોદરા શહેર-જિલ્લા પોલીસે પોતાના વિસ્તારમાં ચાલતા દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડવાની કામગીરી ચાલુ કરી છે. જેમાં ખાસ કરીને નાના-મોટા દેશી દારૂના વેચાણ કેન્દ્રો તેમજ સપ્લાયરોની ત્યાં દરોડા પાડવાની કામગીરી ત્રીજા દિવસે પણ ચાલુ રાખી હતી. તેમ છતાં, જ્યાં પોલીસ પહોંચી નથી શકી ત્યાં સ્થાનિક લોકોએ રેડ પાડી દેશી દારૂનો ધંધો બંધ કરાવવવાની શરૂઆત કરી છે.
વડોદરાના ગોરવા વિસ્તારમાં દેશીદારૂ વેચતી મહિલા બુટલેગરને ત્યાં જનતા રેડ, વીડિયો વાઇરલ#vadodaranews #ViralVideo #Bootlegger #alcohol #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/gXnYJlCUgv
— Hum Dekhenge News (@humdekhengenews) July 28, 2022
મોડી રાત્રે ગોરવા વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર સ્થાનિક લોકોએ રેડ પાડતા નાસભાગ મચી ગઇ હતી. મહિલા બુટલેગરો ખૂલ્લેઆમ દેશી દારૂની પોટલીઓ વેચતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી.
બે સ્કૂલો પાસેજ મહિલા બુટલેગર દ્વારા દેશી દારૂનું વેચાણ
સમગ્ર ગુજરાતમાં બોટાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડે હાહાકાર મચાવી મુક્યો છે. ગુજરાત સરકારના દારૂબંધીના ધજાગરા ઉડી ગયા છે. લઠ્ઠાકાંડ સર્જાયા બાદ વડોદરા શહેર-જિલ્લા પોલીસ પણ એકશનમાં આવી ગયું છે અને તેઓના પોલીસ મથક વિસ્તારમાં ચાલી રહેલા નાના-મોટા દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવાની શરૂઆત કરી બે દિવસમાં 200 જેટલા કેસ દાખલ કર્યા છે અને હજુ પણ આ કામગીરી ચાલી રહી છે. ત્યારે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં બે સ્કૂલો પાસે લઠ્ઠાકાંડ પછી પણ ખૂલ્લેઆમ દેશી દારૂ વેચી રહેલી બે મહિલા બુટલેગરોની ત્યાં સ્થાનિક લોકોએ રેડ કરતા નાસભાગ મચી ગઇ હતી.
ગોરવા વિસ્તારમાં પડેલી જનતા રેડથી બુટલેગરોમાં ફફડાટ
ગોરવા પોલીસ મથકની હદમાં આવેલી બે સ્કૂલો પાસે મહિલા બુટલેગરો દ્વારા વેચવામાં આવી રહેલા દેશી દારૂના અડ્ડા ઉપર લોકોએ રેડ કરી હોવાની જાણ ગોરવા પોલીસને થતાં પોલીસ એકશનમાં આવી ગઇ હતી. પોલીસે મહિલા બુટલેગરો સામે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. તે સાથે દેશી દારૂનું વેચાણ કરનાર બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.