ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત હવે કેરોસીન મુક્ત રાજ્ય બની ગયું, જાણો કેવી રીતે

  • ઉજ્જ્વલા ગેસ ક્નેક્શનો આપી તમામ કેરોસીન કાર્ડધારકો આવરી લેવાયા
  • અગાઉ પીડીએસ હેઠળ મોટાપાયે બળતણ માટે લોકોને કેરોસીન ક્વોટા દર મહિને અપાતો
  • 42 લાખ ગેસ ક્નેક્શનો અપાયા હોવાનું રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠાના સૂત્રોએ જણાવ્યું

ગુજરાત હવે કેરોસીન મુક્ત રાજ્ય બની ગયુ છે. જેમાં રાજ્યમાં ઘાસલેટનો ક્વોટા બંધ છે તેમજ ઉજ્જ્વલા યોજના હેઠળ 42 લાખ ગેસ જોડાણો અપાયા છે. છેલ્લે 2022-23માં 25,092 કિલોલિટર કેરોસીન ક્વોટા રાજ્યને ફાળવાયેલો હતો. 2016-17ના વર્ષમાં 49.30 કરોડ લિટર કેરોસીનની ફાળવણી રાજ્યને થઈ હતી. જેમાં ગુજરાતને 2023-24ના નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી જાહેર વિતરણ માટે કેરોસીનનો કોઈ ક્વોટા મળ્યો નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં 2 હજાર કરોડની અકસ્માત વીમાની રકમનો કેમ કોઈ લેવાલ નથી: સુપ્રીમ કોર્ટ

ઉજ્જવલા ગેસ ક્નેક્શનો આપી તમામ કેરોસીન કાર્ડધારકો આવરી લેવાયા

આ સંદર્ભે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ટોચના સૂત્રો કહે છે કે, પહેલી જાન્યુઆરી-2023થી ગુજરાત સરકારે સામે ચાલીને કેરોસીન ક્વોટા લેવાનું બંધ કર્યું છે અને ગુજરાત હવે કેરોસીન મુક્ત રાજ્ય બની ગયું છે. જે પરિવારો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ બળતણ માટે કેરોસીન આપવા પાત્ર હતા તે તમામને ઉજ્જ્વલા યોજના હેઠળ ગેસ ક્નેક્શનો આપી દેવાયા હોવાનું જણાવી ઉક્ત સૂત્રો એવો દાવો કરે છે કે, 2021-22, 2022-23 અને 2023-24માં કુલ મળીને રાજ્યમાં 13.64 લાખ ઉજ્જ્વલા ગેસ ક્નેક્શનો આપી તમામ કેરોસીન કાર્ડધારકો આવરી લેવાયા છે.

અગાઉ પીડીએસ હેઠળ મોટાપાયે બળતણ માટે લોકોને કેરોસીન ક્વોટા દર મહિને અપાતો

રાજ્યમાં એક જમાનામાં પીડીએસ હેઠળ મોટાપાયે બળતણ માટે લોકોને કેરોસીન ક્વોટા દર મહિને અપાતો હતો. ઓગણીસ વર્ષ પહેલાં 2006-07માં ગુજરાતને કેન્દ્ર તરફથી 9,57,218 કિલોલિટર યાને 95,72,18,000 લિટર ક્વોટા મળતો હતો, તે ઘટતો ઘટતો 2014-15માં 67.08 કરોડ લિટર થયો હતો, એ પછી પહેલી મે 2016ના રોજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ ગેસ ક્નેક્શનો આપવાનું શરૂ થયું તે 2016-17ના વર્ષમાં 49.30 કરોડ લિટર કેરોસીનની ફાળવણી રાજ્યને થઈ હતી, જ્યારે છેલ્લે 2022-23ના વર્ષમાં રાજ્યને માત્ર 2.51 કરોડ લિટર કેરોસીન અપાયું હતું. ગુજરાતમાં ઉજ્જ્વલા યોજના તળે તા.1-4-16થી પ્રથમ તબક્કામાં 29 લાખ અને એ પછી બીજા તબકાકામાં અત્યાર સુધી 13 લાખ મળીને કુલ 42 લાખ ગેસ ક્નેક્શનો અપાયા હોવાનું રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠાના સૂત્રો જણાવી રહ્યા છે.

Back to top button