ઇન્ટરનેશનલ ડેસ્કઃ બુધવારે કરવામાં આવેલી તપાસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થઈ ગયા છે તેવું સામે આવ્યું છે. આ પહેલાં મંગળવારે રાત્રે તપાસમાં પણ ચેપની પુષ્ટિ થઈ ન હતી. વ્હાઇટ હાઉસે બાઇડનના ડૉક્ટર દ્વારા જારી કરાયેલા પત્રમાં આ માહિતી આપી હતી. ચેપમુક્ત થયા પછી બાઇડનનું આઇસોલેશન પૂરું થયું છે. 79 વર્ષીય બાઇડન ગયા અઠવાડિયે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.
બાઇડને અમેરિકનોને કહ્યું, ‘કોવિડ ગયો નથી. કોવિડ વિરોધી રસીના ડોઝ, બૂસ્ટર ડોઝ અને સારવાર દ્વારા ગંભીર રીતે બીમાર થવાથી બચી શકાય છે.’ સંક્રમણથી મુક્ત થયા બાદ બાઇડને બુધવારે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં સંબોધન દરમિયાન જનતાનો આભાર માન્યો અને કહ્યું, ‘હવે મારે ઓવલ ઓફિસ પરત જવું પડશે.’
અગાઉ, ડૉ. કેવિન ઓ’કોનરે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ તેમની સારવારનો સમયગાળો પૂર્ણ કર્યો છે અને તેમને તાવ નથી. હવે બાઇડનમાં કોવિડ-19 રોગના કોઈ લક્ષણો નથી. વ્હાઈટ હાઉસનું નિવેદન જારી થયાના થોડા સમય બાદ બિડેને ટ્વીટ કર્યું કે, ‘રિટર્નિંગ ટુ ધ ઓવલ (ઓફિસ).’ અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ સાથે કોવિડ-19 રેપિડ ટેસ્ટનો ફોટો શેર કરીને પરિણામ ‘નેગેટિવ’ જાહેર કર્યું.