અમદાવાદ, 24 જુલાઈ 2024, કેડિલા ફાર્માની કર્મચારી બલ્ગેરિયન યુવતીએ કંપનીના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મના આક્ષેપ કર્યા હતા. આ મુદ્દે હાઈકોર્ટના આદેશ પર સોલા પોલીસે ફરિયાદ નોંધી હતી. આ મુદ્દે પોલીસે A સમરી ભરી દીધી હતી, જેને ગ્રામ્ય કોર્ટમાં યુવતીએ ચેલેન્જ કરી હતી. ત્યારે યુવતી દ્વારા આ અરજી સેકસ્યૂઅલ હેરેસમેન્ટ ઓફ વર્ક પ્લેસ-પ્રિવેન્શન પ્રોહેબિશન એન્ડ રિડ્રેસલ એક્ટ 2013 અંતર્ગત કરી હતી. આમાં રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતાં યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. એમાં આજે 24મી જુલાઈએ સુનાવણી હતી. હવે યુવતી દ્વારા CBI તપાસની માગ કરી અરજી પણ કરાશે.
અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરાઈ હતી
બલ્ગેરિયન યુવતીએ નેશનલ કમિશન ફોર વુમનમાં સેક્સ્યૂઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરી હતી. આમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હતાં. નેશનલ કમિશન ફોર વુમન જિલ્લા કલેક્ટરને યુવતીની ફરિયાદ પર કાર્યવાહી કરવાની નિર્દેશ આપતી હોય છે પરંતુ બંને પક્ષે કોઈ કાર્યવાહી ન થતાં યુવતીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીમાં નેશનલ કમિશન ઓફ વુમન, અમદાવાદ જિલ્લા કલેક્ટર, બલ્ગેરિયન એમ્બેસીના ઓફિસર અને ગુજરાત રાજ્યને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.
યુવતી આગામી સમયમાં CBI તપાસ માટે અરજી કરી શકે છે
આ અરજી સેકસ્યૂઅલ હેરેસમેન્ટ ઓફ વર્ક પ્લેસ-પ્રિવેન્શન પ્રોહેબિશન એન્ડ રિડ્રેસલ એક્ટ 2013 અંતર્ગત કરવામાં આવી હતી, જેમાં કોર્ટે નોંધ્યું હતું કે આમાં રાજ્ય દ્વારા સરકારી વકીલની ઓફિસને શા માટે પક્ષકાર બનાવવામાં આવી છે? આ સંવેદનશીલ બાબત છે દલીલોમાં સંયમ રાખવો જોઈએ. કોર્ટે જણાવ્યું હતું કે અરજી યોગ્ય રીતે તૈયાર કરવામાં આવી નથી. ફરિયાદ કંઈક છે અને લખ્યું કંઈક જુદુ છે. અરજી ફાઈલ કરતાં એનો હેતુ ધ્યાનમાં રાખવો જોઈએ, જેથી અરજીમાં સુધારો કરવામાં આવે. સરકારી વકીલની ઓફિસ આ અરજીમાં પક્ષકાર હોઈ શકે નહીં. આ મુદ્દે વધુ સુનવણી આગામી સપ્તાહે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે બલ્ગેરિયન યુવતી આગામી સમયમાં CBI તપાસ માટે હાઇકોર્ટમાં અરજી કરી શકે છે.
આ પણ વાંચોઃ2020થી આજ સુધી વિદેશમાં ફસાયેલા 4.92 લાખ ગુજરાતીઓને વતન પરત લવાયા