અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ઉમિયા ઓવરસિઝના માલિકોએ કેનેડાના વિઝા આપવાનું કહી 5 લાખની ઠગાઈ આચરી

અમદાવાદ, 24 જુલાઈ 2024, વિદેશ જવાની ઘેલછાના કારણે અનેક લોકો સાથે છેતરપિંડીના કિસ્સા બની રહ્યા છે. ગુજરાતમાં એર ટિકિટ અને હોટેલ બુકિંગના નામે અનેક લોકોને છેતરનાર તેજસ શાહ સામે કાયદાનો સકંજો કસાવાની તૈયારીમાં છે. ત્યારે અમદાવાદમાં વધુ એક ઠગાઈનો કેસ પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં વિજય ચાર રસ્તા પાસે સ્થિત ઉમિયા ઓવરસીઝના માલિકોએ અમદાવાદના યુવકને કેનેડાના PR વિઝા આપવાનું કહીને પાંચ લાખ રૂપિયા પડાવ્યા છે. યુવકે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

18 મહિનામાં કેનેડાના PR વિઝા લઈ આપવાનું કહ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં નિર્ણયનગરમાં રહેતા પ્રજ્ઞેશ પટેલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રજ્ઞેશભાઈ અને તેમના પત્નીને કેનેડા જવાના હોવાથી 11 મહિના અગાઉ વિજય ચાર રસ્તા પાસે ઉમિયા ઓવરસીઝ ગયા હતા.ત્યારબાદ તેઓ ગાંધીનગર કુડાસણ ખાતેની ઓવરસીઝની ઓફિસમાં ગયા હતા. ત્યાં તેમને અંકિત પટેલ અને વિશાલ પટેલ મળ્યા હતા. બંનેએ 18 મહિનામાં કેનેડાના PR વિઝા લઈ આપવાનું જણાવ્યું હતું. PR વિઝા માટે 65 લાખ થશે તેવું કહ્યું હતું અને એડવાન્સ પાંચ લાખ રૂપિયા આપવાની વાતચીત હતી.વિઝા આવ્યા બાદ 20 લાખ આપવાના અને કેનેડા પહોંચ્યા બાદ એરપોર્ટ પર 40 લાખ આપવાના તે પ્રકારની મૌખિક વાતચીત કરી હતી.

ફરિયાદીએ પોતાના અસલ ડોક્યુમેન્ટ આપ્યા હતાં
પ્રજ્ઞેશભાઈએ ઓરિજિનલ પાસપોર્ટ, જન્મનું પ્રમાણપત્ર મેરેજ સર્ટિફિકેટ, સ્કૂલ લિંગ સર્ટિફિકેટ,અભ્યાસની વિગતો સહિતની તમામ ગાંધીનગર ખાતે ઓફિસ પર આપી હતી. ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું કે તેમની ફાઈલનું આગળનું કામ ઉમંગ પટેલ કરે છે જેથી તેમને ઉમંગ પટેલને ઓફિસે મળવા જવાનું કહ્યું. પ્રજ્ઞેશભાઈ ઉમંગ પટેલને અવારનવાર મળતા હતા ત્યારે ઉમંગ કહેતો હતો કે, ફાઇલનું કામકાજ ચાલુ છે. ઘણો સમય થવા આવ્યો છતાં વિઝાના કંઈ કામ ના થતાં પ્રજ્ઞેશભાઈએ અંકિતભાઈને ફોન કર્યો હતો પરંતુ તેમનો ફોન બંધ આવતો હતો.

ફરિયાદીએ ઉમિયા ઓવરસીઝના માલિકો સામે ફરિયાદ નોંધાવી
ત્યારબાદ ઉમંગ પટેલ અને સ્મિત પટેલને મળ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે જો તમારે આગળનું કામ કરવું હોય તો બીજા 20 લાખ આપવા પડશે. નહીંતર જમા કરાવેલા પૈસા ડોક્યુમેન્ટ પાછા મળશે નહી.ઉપરાંત અંકિતનો પણ તેમના ઉપર ફોન આવ્યો અને કહ્યું હતું કે પૈસા પહોંચાડી દો નહીંતર તમારું કામ થશે નહીં.પ્રજ્ઞેશભાઈને અવારનવાર બહાના બતાવી વધુ પૈસાની માંગણી કરતા હતા.જેથી પ્રજ્ઞેશભાઈએ ઉમિયા ઓવરસીઝના માલિક અંકિત પટેલ,વિશાલ પટેલ,ઉમંગ પટેલ અને સ્મિત પટેલ વિરુધ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદના મહાઠગ તેજસ શાહે ફ્રોડ કરવા ટ્રાવેલ એજન્ટોની સિન્ડીકેટ બનાવી

Back to top button