મુંબઈ, 24 જુલાઈ : ભારતીય શેરબજાર પર આજે પણ બજેટની અસર જોવા મળી રહી છે. સેન્સેક્સ-નિફ્ટી બંને લાલ નિશાન પર ટ્રેડ થઇ રહ્યા છે. આજે કરન્સી માર્કેટના શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો એક પૈસા ઘટીને 83.70 પર પહોંચી ગયો છે.
સવારે બંને ઇન્ડેક્સ ઘટાડે ખુલ્યા હતા
BSE સેન્સેક્સ સવારે 11:15 કલાકે 234 પોઇન્ટ તૂટીને 80,194 પર ટ્રેડ કરી રહ્યો છે. જયારે NSEનો નિફ્ટી 44 પોઈન્ટ અથવા 0.14 ટકાના ઘટાડા પછી 24410 પર ટ્રેડ કરી રહ્યો છે. આજે સવારે માર્કેટ ઓપનિંગમાં BSE સેન્સેક્સ 85.66 પોઈન્ટ અથવા 0.11 ટકાના ઘટાડા સાથે 80343 પર ખુલ્યો હતો. જયારે NSE નો નિફ્ટી 34.05 પોઈન્ટ અથવા 0.14 ટકા ઘટીને 24445 ના સ્તર પર ખુલ્યો.
F&O પર ટેક્સની દરખાસ્ત બાદ ગઈકાલે પણ માર્કેટ તૂટ્યું હતું
બજેટમાં ફ્યુચર એન્ડ ઓપ્શન્સ (F&O) પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારવાની સરકારની દરખાસ્ત બાદ ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો અને તે આજે પણ ચાલુ છે. બીજી તરફ, વિદેશી રોકાણકારો દ્વારા શેરબજારમાંથી સતત નાણાં ઉપાડવા અને નબળા વૈશ્વિક સંકેતોએ પણ સ્થાનિક બજારો માટે મુશ્કેલી ઊભી કરી છે.
આ પણ વાંચો : જળવાયુ પરિવર્તનનું પરિણામ, જુલાઈનો આ દિવસ 84 વર્ષમાં સૌથી ગરમ રહ્યો
સેન્સેક્સમાં આજે ટાટાના શેરમાં ઉછાળો
BSE સેન્સેક્સમાં હિન્દુસ્તાન યુનિલિવર (HUL)ના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો છે. બજાજ ફાઇનાન્સ, નેસ્લે, એચસીએલ ટેક્નોલોજી, અલ્ટ્રાટેક સિમેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અદાણી પોર્ટ્સના શેર પણ ખોટમાં રહ્યા છે. સેન્સેક્સમાં આજે ટાટા ગ્રૂપના ઘણા શેર વધી રહ્યા છે, જેમાં ટાઇટન, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના શેરમાં મજબૂતી જોવા મળી રહી છે. આ સિવાય આઈટીસી, ટેક મહિન્દ્રા અને એનટીપીસીના શેરમાં પણ ફાયદો નોંધાયો છે.
વૈશ્વિક બજારોની શું સ્થિતિ હતી
એશિયન બજારોમાં સાઉથ કોરિયાના કોસ્પી, જાપાનનો નિક્કી અને હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નફામાં ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે મંગળવારે અમેરિકન બજારો પણ નકારાત્મક વલણ સાથે બંધ થયા હતા.
આ પણ વાંચો : 2023માં દર મિનિટે એક એઇડ્સના દર્દીએ ગુમાવ્યો જીવ, જુઓ સંયુક્ત રાષ્ટ્રનો અહેવાલ