ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
બોટાદનો કેમિકલકાંડ 42ને ભરખી ગયો, ઘટનાની 10 દિવસમાં જ ચાર્જશીટ કરાશે ફાઈલ : ગૃહમંત્રી હર્ષ સંઘવી
બોટાદના કેમિકલકાંડ મામલે આજે ગૃહવિભાગ દ્વારા સત્તાવાર સ્ટેટમેન્ટ આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ખુબ દુઃખદ ઘટના છે. આ બનાવમાં 42 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વધુમાં સંઘવીએ કહ્યું હતું કે, હતભાગીઓના પરીજનો સાથે અમારી સંવેદનાઓ છે. અમને જાણકારી મળતા જ અમે તાત્કાલિક પગલા ભર્યા છે. ઘટનામાં અસરગ્રસ્ત લોકોને શોધવા પોલીસ માટે એક પડકાર હતો જેને પહોંચી વળવા માટે પોલીસે ગામેગામ ચેકિંગ કર્યું હતું અને લોકોને શોધી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલમાં 97 લોકોને સારવાર આપવામાં આવી રહી છે. તેઓની હાલત સ્થિર છે. સરકાર તેમના ઉપર સતત વોચ રાખી રહી છે અને તેઓને જરૂર પડતી તમામ સગવડતાઓ આપવા માટે કટિબદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ગુનામાં સામેલ તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે જ આ મામલે 10 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે અને આખો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવાશે.
બે દિવસની અંદર હાઈપાવર કમીટી રિપોર્ટ સોંપશે
વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ બનાવ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને દોષીતોને આકરી સજા મળે તે માટે તાત્કાલિક તપાસ અર્થે એક હાઈપાવર કમીટીની રચના કરી છે. જે પોતાની તપાસ કરી રહી છે અને આવતા બે દિવસમાં જ તે પોતાનો રીપોર્ટ સોંપશે જેના આધારે ઝડપથી ગુનેગારોને સજા મળશે.
પોલીસે દેશીદારૂની ભઠ્ઠી બંધ કરાવી એટલે કેમિકલ વેંચ્યું
આ બનાવ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, વેચનારથી લઈ કેમિકલ લેનારા સુધીના લોકોને પકડી લેવામાં આવ્યા છે. પોલીસે જે કામગીરી કરી છે તેણે કારણે ગુનેગારોને 2 દિવસમાં પકડી લેવામાં આવ્યા છે. ટોપ 10 વોન્ટેડ માંથી એક બુટલેગર પિન્ટુની પણ આજે ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 20 દિવસથી દેશી દારૂની ભઠ્ઠીઓ પોલીસે બંધ કરાવી દેવાઈ હતી. તે બંધ થઈ ગઈ એટલે જ તેમણે કેમિકલ વેંચવાનું શરૂ કર્યું હતું. આગામી દિવસોમાં પણ પોલીસ રાત દિવસ એક કરીને કામગીરી આગળ વધારશે. આ કેમિકલ પર કંટ્રોલ લાવવા ગૃહ વિભાગ પગલા ભરશે. આ એક સામાજિક દુષણમાં નાગરિક ભોગ ન બને એ માટે પોલીસ કામ કરશે, અમે કોઈપણ વિષય પરથી હાથ ઉંચા કરવા નથી માંગતા.