અમદાવાદ, 23 જુલાઈ 2024 શહેરમાં મ્યુનિસિપાલિટી દ્વારા શહેરમાં દબાણગ્રસ્ત ધાર્મિક સ્થાનોને તોડવામાં આવી રહ્યાં છે. ત્યારે કુબેરનગર વોર્ડના NCPના કોર્પોરેટરે AMCના અધિકારીઓને ચીમકી આપી હતી કે, જો મારા વિસ્તારમાં કોઈપણ મંદિર તોડ્યું તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે. રોડ પર નડી રહેલા મંદિરો તોડો તે યોગ્ય છે પણ ચાલીની અંદર જે મંદિરો છે તેને તોડવાની નોટીસ અપાઈ છે તે કેટલી યોગ્ય છે.
20થી 25 જેટલા મંદિરોને નોટિસ આપવામાં આવી
અમદાવાદના કુબેરનગર વોર્ડના કોર્પોરેટર નિકુલસિંહ તોમરે મીડિયાને જણાવ્યું હતું કે, પ્રિન્સિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસમાં અનેક મંદિરોને તોડવા માટેની નોટિસ લગાવવામાં આવી છે. જેમાં નોટિસ એવા મંદિરોને પણ આપવામાં આવી છે જે ચાલીઓમાં આવેલા છે. અમે આ બાબતનો વિરોધ કર્યો છે કે, આ નોટિસ તમે શેના માટે લગાવી છે.જો તમે રોડ ઉપર મંદિર આવેલા હોય અને તેને નોટિસ આપો તે વાત યોગ્ય કહી શકાય.ચાલીમાં આવેલા મંદિરોને શું કામ નોટીસ આપો છો? કુબેરનગર વિસ્તારમાં અનેક ચાલીઓમાં 20થી 25 જેટલા મંદિરોને નોટિસ આપવામાં આવી છે.
નડતરરૂપ ધાર્મિક સ્થાનો હોય તેને તોડવા માટેની કાર્યવાહી
નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે, હું અધિકારીઓને ચેતવણી આપીને કહું છું કે, મારા વિસ્તારમાં કોઈપણ મંદિરને વગર કારણે હાથ લગાવ્યો તો તેનું ખૂબ ગંભીર પરિણામ ભોગવવા માટે કોર્પોરેશનના અધિકારીઓ તૈયાર રહે. હું લોકોની આસ્થા સાથે રમત નહીં રમવા દઉં. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના સૂચન મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જ્યાં પણ ધાર્મિક સ્થાનો નડતરરૂપ હોય તેને તોડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા નડતરરૂપ 149થી વધુ મંદિરોને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેમાંથી 20થી વધુ મંદિરોને અત્યાર સુધીમાં તોડી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃગુજરાતમાં નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાશો તો જપ્ત થયેલા વાહનોની હવે તત્કાળ હરાજી થશે