ગાંધીનગર, 23 જુલાઈ 2024, રાજ્યમાં વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણને ધ્યાને રાખીને વન વિસ્તાર બહાર યોજાયેલી વૃક્ષ ગણતરીમાં વર્ષ 2021 મુજબ કુલ 39.75 કરોડ વૃક્ષો નોંધાયા છે, એટલે કે વર્ષ 2003ની સરખામણીમાં વૃક્ષોની સંખ્યામાં કુલ 58.36 ટકા વધારો નોંધાયો છે. વન વિસ્તાર બહાર વર્ષ 2003માં 25.10 કરોડ વૃક્ષો હતા જે વધીને વર્ષ 2021માં કુલ 39.75 કરોડ થયા છે. જ્યારે વન વિસ્તાર બહાર વૃક્ષોની ઘનતા વર્ષ 2003માં 14.10 વૃક્ષ પ્રતિ હેક્ટર હતી જે વર્ષ 2021માં વધીને 25.74 વૃક્ષ પ્રતિ હેક્ટર થઇ છે. ચાલુ વર્ષે રાજ્યમાં કુલ 89 વનકુટીર, 27 પવિત્ર ઉપવન, 66 કિસાન શિબિર અને 670 સ્મશાન સગડી વિતરણ કરવાનું આયોજન છે.
શેહરી વિસ્તારમાં કુલ 20 અર્બન ફોરેસ્ટ નિર્માણ કરવાનું આયોજન
આ વર્ષે 75મો ‘વન મહોત્સવ’ આગામી 26 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશ પટેલની હાજરીમાં દેવભૂમિ દ્વારકાના ગાંધવી- હર્ષદ ગામ ખાતે યોજાશે.રાજ્યમાં 33 જિલ્લા, 8 મહાનગરપાલિકા, 250 તાલુકા અને 5500 ગ્રામીણ કક્ષાએ વન મહોત્સવ યોજવાનું આયોજન છે.હરીત વસુંધરા યોજના હેઠળ ચાલુ વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 200 હેક્ટર વિસ્તારમાં વન કવચ વાવેતર કરવાનું આયોજન છે જ્યારે જૂન 2024 સુધીમાં 23 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે. શેહરી વિસ્તારમાં કુલ 20 અર્બન ફોરેસ્ટ નિર્માણ કરવાનું આયોજન છે.
પંચરત્ન વાવેતર મોડલ હેઠળ સરોવર દીઠ 200 રોપાનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર
રાજ્યમાં એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ કુલ 31000 હેક્ટર વિસ્તારમાં ખેડૂતો થકી વાવેતર કરવાનું આયોજન છે. જે પૈકી 328 હેકટરથી વધુ વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત રાજ્યમાં રસ્તાઓ ઉપર ટ્રી કવર વધારવા ‘હરિત વન પથ’ યોજના હેઠળ કુલ 70 હેક્ટર વિસ્તારમાં ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવાનું આયોજન છે. જ્યારે પંચરત્ન ગ્રામ વાટિકા મોડલ હેઠળ રાજ્યના 1 હજાર ગામડાઓમાં ગામ દીઠ 50 રોપા અને 65 અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર મોડલ હેઠળ સરોવર દીઠ 200 રોપાનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરાશે.
ગુજરાતમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ગુજરાતમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાનને જન આંદોલન સ્વરૂપે વિસ્તારવાનો નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ સંદર્ભમાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત આગામી સપ્ટેમ્બર-2024 સુધીમાં સમગ્ર રાજ્યમાં 12.20 કરોડ વૃક્ષો વાવવાનો અને માર્ચ-2025 સુધીમાં કુલ મળીને 17 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.રાજ્યના શહેરી વિસ્તારોમાં પણ આ પર્યાવરણપ્રિય વિચારોને આગળ ધપાવતાં અમદાવાદ મહાપાલિકાએ ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત ‘મિશન થ્રી મિલિયન ટ્ર્રીઝ’નું બહુઆયામી આયોજન કર્યું છે.
આ પણ વાંચોઃ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાતમાં સપ્ટેમ્બર સુધીમાં 12 કરોડ વૃક્ષો વવાશે