ગુજરાતચૂંટણી 2022

શા માટે રાજ્યભરના એસ.ટી.ના હજારો કર્મચારીઓ લડતના મુડમાં છે ?

Text To Speech

રાજ્યભરમાં એસટીના જૂના કર્મચારીઓને ગ્રેડ-પેમાં પાંચ વર્ષના ઇન્ક્રીમેન્ટનું નુકસાન થતાં ભારે દેકારો મચી ગયો છે. દિવસ-રાત જોયા વગર, કુદરતી આપત્તિઓમાં તેમજ સરકારી કાર્યક્રમમાં નિર્ધારિત સમયે લાભાર્થીઓને સ્થળ ઉપર પહોંચાડનાર એસટીના કન્ડક્ટર-ડ્રાયવરને સતત થઇ રહેલા અન્યાય અને શોષણ બાબતે યુનિયનના હોદ્દેદારો ભર નિંદ્રામાં હોય તેવો માહોલ કર્મચારીઓમાં સર્જાયો છે. દિવાળી હોય કે જન્માષ્ટમી કોઇપણ તહેવારો પરિવાર સાથે ભાગ્યે જ એસટીના કંડકટર-ડ્રાયવર ઉજવતા હતા. નવા વર્ષ, ઉત્તરાયણ, હોળી, દિવાળી, સાતમ-આઠમના તહેવારોમાં બસની અંદર પોતાની વફાદારી પૂર્વક ફરજ બજાવતા એસટીના જૂના કર્મચારીઓને પાંચ વર્ષના ઇન્ક્રીમેન્ટ તેમજ ગ્રેડ-પેમાં ભારે નુકસાન ગયા બાદ યુનિયનનાં હોદ્દેદારોનું પેટનું પાણી હલતું નથી. ત્યારે ગ્રેડ-પે તેમજ ઇન્ક્રીમેન્ટના નુકસાન બાબતે 15મી ઓગષ્ટે લડતનું એલાન અપાયુ છે અને આ માટે એસટી શ્રમિક સેવા સંઘ યુનિયન પરિવારની મહત્વની બેઠક મળશે.

આશરે 65% ફિકસ પગારદારોને ભરી ન શકાય તેવું વ્યાપક નુકસાન
તાજેતરમાં ઉપરોકત ગ્રેડ-પે બાબતે એસટીના હજારો જૂના કર્મચારીઓને અન્યાય થતાં એસટી કર્મચારીના વોટસઅપ ગ્રુપ ઉપર કર્મચારીઓ સક્રિય થયા છે અને માન્યતા પ્રાપ્ત યુનિયનોએ કરેલા કર્મચારીઓને નુકસાન બાબતે કન્ડક્ટર-ડ્રાયવરનું હિત જોતા અમુક બિનમાન્યતા પ્રાપ્ત હોદ્દેદારો પોતાની અને એસટીના કર્મચારીઓની વ્યથા રજૂ કરી રહ્યા છે. કર્મચારીઓમાં એવા પણ આક્ષેપ થઇ રહ્યા છે કે, ફિકસ પગારદાર કર્મચારીઓને પાંચ વર્ષના ઇન્ક્રીમેન્ટનું નુકસાન અને તેમનો ફકત ઉપયોગ કરી એક રૂપિયાનો ફાયદો ન કરાવી આશરે 65% ફિકસ પગારદારોને ભરી ન શકાય તેવું વ્યાપક નુકસાન કરાવ્યાની ચર્ચાઓ અને કચવાટ થઇ રહ્યાનું બહાર આવ્યું છે.

હવે શું કરશે એસટી વિભાગના કર્મચારીઓ, યુનિયન, શું છે તેના આક્ષેપ ?
રાજયભરમાં એસટી કર્મચારીઓને નુકસાન થતાં વધુ એક યુનિયન હવે મેદાનમાં આવ્યું છે. જેના માટે લુણાવાડા ખાતે મહત્વની બેઠક મળવાની છે. ઉપરાંત ટ્રીપ શીટમાંથી કન્ડક્ટરના નંબર કઢાવવાની મોટી મોટી વાતો કરીને ન કઢાવી આપી નુકસાન કરાવ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષથી તમામ એલાઉન્સોમાં વધારો ન કરાવી આપી દરેક કર્મચારીઓને લાખો રૂપિયાનું નુકસાન ગયુ છે તેમજ અકસ્માતમાં અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિતોને નોકરી ન અપાવી નુકસાન કરાવ્યાનો પણ આક્ષેપ છે. ઉપરાંત 17% મોંઘવારી ન અપાવી, જીવન નિર્વાહ મુશ્કેલ બનાવ્યું છે.

Back to top button