બજેટ સત્ર પહેલા સરકારે આજે બોલાવી સર્વપક્ષીય બેઠક, TMC નહીં લે ભાગ; જાણો કારણ
- સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે, નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે
નવી દિલ્હી, 21 જુલાઇ: સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આજે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તમામ પક્ષોએ આમાં સામેલ થવું પડશે. આ પહેલીવાર હશે જ્યારે રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે આ પરંપરાગત બેઠકમાં હાજરી આપશે. જોકે, TMC આ બેઠકમાં ભાગ લેશે નહીં. મહત્ત્વપૂર્ણ છે કે, સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે જે 12 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એક સત્તાવાર પ્રેસ રિલીઝમાં, સંસદીય બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ સંસદના બજેટ સત્ર પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. સવારે 11 વાગે સંસદ ભવનના મુખ્ય સમિતિ ખંડમાં સર્વપક્ષીય બેઠક યોજાશે.
TMCએ ભાગ ન લેવાનું કારણ આપ્યું નહીં
પ્રથમ વખત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે સત્રની શરૂઆત પહેલા તમામ પક્ષોના ગૃહના નેતાઓની આ પરંપરાગત બેઠકમાં હાજરી આપશે. તૃણમૂલ કોંગ્રેસનો કોઈ પ્રતિનિધિ આ બેઠકમાં હાજરી આપશે નહીં, કારણ કે પક્ષ 21 જુલાઈને શહીદ દિવસ તરીકે ઉજવે છે. તૃણમૂલ કોંગ્રેસના સંસદીય દળના નેતા ડેરેક ઓ’બ્રાયને રિજિજુને પત્ર લખીને જાણ કરી છે કે, તેમની પાર્ટી બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. પત્રમાં તેમણે લખ્યું કે,”30 વર્ષથી, 21 જુલાઈને બંગાળમાં અમારા 13 સાથીઓના માનમાં ‘શહીદ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, જે 1993માં પોલીસ ગોળીબારમાં ગેરકાનૂની રીતે માર્યા ગયા હતા. આ પરિપ્રેક્ષ્યમાં, મારા સહિત અખિલ ભારતીય તૃણમૂલના તમામ સાંસદો પાર્ટીના અન્ય સાથીદારો સાથે આ દિવસનો શોક કરવા માટે તેમના ગૃહ રાજ્યમાં હશે. જેથી કોઈપણ સાંસદ બેઠકમાં હાજર રહી શકશે નહીં.
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ
ઉલ્લેખનીય છે કે, સામાન્ય ચૂંટણીઓ અને 18મી લોકસભાની રચના પૂર્ણ થયા બાદ આ પહેલું બજેટ સત્ર છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષો સંસદમાં સત્તા મેળવવામાં સફળ રહ્યા હતા. તે મુજબ આ સત્રમાં જે બજેટ રજૂ કરવામાં આવશે તે તેમના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ ગૃહમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે, ત્યારબાદ બંને ગૃહોમાં ચર્ચા થશે. 18મી લોકસભાની રચના પછીના પ્રથમ સંસદ સત્રમાં વિપક્ષી ગઠબંધન ‘INDI’એ તાજેતરમાં NEET વિવાદ, મણિપુરની સ્થિતિ અને મોંઘવારી જેવા મુદ્દા ઉઠાવ્યા હતા અને સૂત્રોચ્ચાર તેમજ હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ દરમિયાન બંને ગૃહોમાં વિરોધ પણ થયો હતો. લોકસભામાં વડાપ્રધાનના જવાબ દરમિયાન વિપક્ષી સાંસદોએ મણિપુર પર નિવેદનની માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે રાજ્યસભામાં વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.
આ પણ જૂઓ: રાહુલ ગાંધી અને યોગી આદિત્યનાથ બંને પીએમ બનશે પણ ક્યારે? કોણે કરી ભવિષ્યવાણી