ઉજ્જૈનમાં પણ દુકાનદારો લગાવશે નામના બોર્ડ: મેયરે આપ્યો આદેશ, કહ્યું- ગ્રાહકોનો અધિકાર
- UPની સરકારે કાંવડ યાત્રાના રૂટ પરના દુકાનદારો અને રેકડી વિક્રેતાઓને નેમપ્લેટ લગાવવાનો આદેશ આપ્યો છે
ભોપાલ, 21 જુલાઇ: ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશને શનિવારે દુકાન માલિકોને તેમની દુકાનોની બહાર તેમના નામ અને મોબાઇલ નંબરવાળી પ્લેટો લગાવવાનો નિર્દેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે કાંવડ યાત્રાના રૂટ પરના દુકાનદારો અને રેકડી વિક્રેતાઓને તેમની દુકાનો અને રેકડીઓ પર નેમપ્લેટ લગાવવાનો આદેશ આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રથમ વખત 2000, બીજી વખત 5000 રૂ.નો દંડ
ઉજ્જૈનના મેયર મુકેશ તટવાલે જણાવ્યું હતું કે, “આ આદેશનું પ્રથમ વખત ઉલ્લંઘન કરવા બદલ 2,000 રૂપિયા અને બીજી વખત 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. મેયરે વધુમાં કહ્યું, ‘આ ઓર્ડરનો હેતુ સુરક્ષા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે. તેનો હેતુ મુસ્લિમ દુકાનદારોને નિશાન બનાવવાનો નથી.”
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું વતન ઉજ્જૈન તેના પવિત્ર મહાકાલ મંદિર માટે જાણીતું છે. વિશ્વભરમાંથી શિવભક્તો અહીં મહાકાલના દર્શન કરવા આવે છે. સોમવારથી શરૂ થતા શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
દરખાસ્તને 2002માં આપવામાં આવી હતી મંજૂરી: મેયર
તટવાલે કહ્યું કે, ઉજ્જૈનના મેયર-ઇન-કાઉન્સિલે 26 સપ્ટેમ્બર, 2002ના રોજ દુકાનદારોના નામ દર્શાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બાદમાં તેને વાંધા અને ઔપચારિકતા માટે રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો.
તટવાલે વધુમાં કહ્યું હતું કે, ‘તમામ ઔપચારિકતાઓ પૂરી થઈ ગઈ છે. અમલીકરણમાં વિલંબ થયો હતો કારણ કે નેમપ્લેટ શરૂઆતમાં સમાન કદ અને રંગની હોવી જોઈએ. હવે અમે આ શરતો હળવી કરી છે. હવે દુકાનદારોના નામ અને મોબાઈલ નંબર દર્શાવવા પર્યાપ્ત રહેશે.
ગ્રાહકને દુકાનદાર વિશે જાણવાનો અધિકાર છે: મેયર
મુકેશ તટવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ પગલું MP શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અથવા ગુમાસ્તા લાયસન્સમાં સમાવિષ્ટ છે અને તે ગ્રાહકની સલામતી વધારવા માટે સેવા આપે છે. ઉજ્જૈન એક ધાર્મિક અને પવિત્ર શહેર છે. લોકો અહીં ધાર્મિક આસ્થા સાથે આવે છે. તેઓ જેની પાસેથી સામાન ખરીદે છે તે દુકાનદાર વિશે જાણવાનો તેમને અધિકાર છે. જો કોઈ ગ્રાહક અસંતુષ્ટ હોય અથવા તેની સાથે છેતરપિંડી થઈ હોય, તો દુકાનદાર વિશે માહિતી મેળવીને તેની સમસ્યા હલ થઈ શકે છે.
આ ઓર્ડર એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ઉજ્જૈન 2028માં સિંહસ્થ (કુંભ) મેળાનું આયોજન કરવા માટે તૈયાર છે. દર 12 વર્ષે આયોજિત આ એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક મેળો છે.
આ પણ જૂઓ: રાહુલ ગાંધી અને યોગી આદિત્યનાથ બંને પીએમ બનશે પણ ક્યારે? કોણે કરી ભવિષ્યવાણી