એજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝનેશનલ

NEET UG 2024ના જાહેર થયેલા પરિણામમાં રાજકોટ સેન્ટરના ચોંકાવનારા આંકડા

રાજકોટ, 20 જુલાઈ : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા શહેર અને કેન્દ્ર મુજબ NEET UG 2024ના પરિણામો ઓનલાઇન અપલોડ કર્યા બાદ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં ગુજરાતના રાજકોટ કેન્દ્રના 12 વિદ્યાર્થીઓના માર્કસ 700થી વધુ છે. જેને કારણે આ પરિણામમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ આગામી દિવસોમાં થવાની શક્યતા છે.

મોટાભાગના વિદ્યાર્થીઓ R.K. એન્જિનિયરિંગ કોલેજના

NTA દ્વારા પરીક્ષામાં હાજર રહેલા તમામ NEET વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયેલ ડેટા વિશ્લેષણમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. ગુજરાતના રાજકોટમાં યુનિટ-1 સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ આર.કે. યુનિવર્સિટી પરીક્ષા કેન્દ્ર (કેન્દ્ર નં. 22701) પર પરીક્ષા આપનારા મોટાભાગના વિદ્યાર્થીઓએ NEET UG પરીક્ષા પાસ કરી છે. આ આંકડો લગભગ 85% છે.

રાજકોટમાં 12ના વિદ્યાર્થીઓના 700થી વધુ માર્કસ

રાજકોટના આ પરીક્ષા કેન્દ્રમાં 12 વિદ્યાર્થીઓને 700થી વધુ માર્કસ, 115 વિદ્યાર્થીઓને 650થી વધુ માર્કસ, 259 વિદ્યાર્થીઓને 600થી વધુ અને 403 વિદ્યાર્થીઓને 550થી વધુ માર્કસ છે. આ પરીક્ષા કેન્દ્ર પર કુલ 1968 ઉમેદવારોએ NEETની પરીક્ષા આપી હતી.

જુઓ અહીં આ સેન્ટરના વિદ્યાર્થીઓનું પરિણામ

સુપ્રીમ કોર્ટમાં કોઈ નિરાકરણ ન આવ્યું

ઉલ્લેખનીય છે કે, 18 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં 4 કલાકની સુનાવણી પછી પણ બેન્ચ કોઈ અંતિમ નિર્ણય પર પહોંચી શકી ન હતી. જેમાં પેપર લીક, સીબીઆઈ રિપોર્ટ, આઈઆઈટી રિપોર્ટ, પરીક્ષામાં ગેરરીતિઓની સમયરેખા, કેટલા સોલ્વર પકડાયા વગેરે મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આમ છતાં NEET પરીક્ષા રદ થશે કે નહીં? આ નક્કી થઈ શક્યું નથી. અંતે, CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે NTAને તમામ NEET ઉમેદવારોના શહેર અને કેન્દ્ર મુજબના માર્કસ ઓનલાઈન અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. NTA ડેટા અપલોડ કરવા માટે શનિવારે બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

કોર્ટના આદેશ બાદ રીઝલ્ટ જાહેર

કોર્ટના નિર્દેશો મુજબ NTA એ ​​વિદ્યાર્થીઓની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તેની સત્તાવાર વેબસાઇટ https://exams.nta.ac.in/NEET/ પર ડેટા અપલોડ કર્યો છે. આ તપાસવા માટે, તમારે વેબસાઇટના હોમપેજ પર ‘NEET (UG) RESULT 2024 CITY/CENTRE WISE’ પર ક્લિક કરવું પડશે. સુપ્રીમ કોર્ટમાં NEET વિવાદ કેસની આગામી સુનાવણી 22 જુલાઈએ થવાની છે.

નીટ UG માર્કસ કેવી રીતે તપાસવા

1. સૌ પ્રથમ NEET UG ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

2. હોમપેજ પર ‘NEET (UG) પરિણામ 2024 સિટી/સેન્ટર વાઇઝ’ લિંક પર ક્લિક કરો.

3. અહીં તમારું શહેર અને નગર દાખલ કરો જ્યાં તમે NEET UG 2024 ની પરીક્ષા આપી હતી.

4. સ્ક્રીન પર PGF ખુલશે, કેન્દ્રનું કોડ-નામ, વિદ્યાર્થીઓનો સીરીયલ નંબર અને ગુણ તપાસો.

5. PDF ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો અને વધુ સંદર્ભ માટે તેને તમારી પાસે રાખો.

Back to top button