કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો પ્રચાર કરવા જૂનાગઢ જિલ્લામાં નવતર પ્રયોગ

Text To Speech

જૂનાગઢ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’નો કાર્યક્રમમાં વધુને વધુ લોકો પોતાના ઘરોમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવે તેના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષસ્થાને એક મિટિંગ સબંધિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાઈ હતી. જેમાં આ કાર્યક્રમનો વધુને વધુ પ્રચાર કરવા માટે નવતર પ્રયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પત્ર વ્યવહારમાં ‘હર ઘર તિરંગા’ના લોગોનો ઉપયોગ કરવા સુચના
જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી રમત ગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લામાં તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ના વિવિધ કાર્યક્રમો યોજાશે. “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાની જનતા જોડાઇને પોતાના ઘરોમાં રાષ્ટ્રનો તિરંગો લહેરાવે તેવું આહવાન કલેકટર રચિત રાજે કર્યુ છે. વધુમાં કાર્યક્રમના પ્રચાર માટે હવેથી તમામ કચેરીઓના પત્ર વ્યવહારમાં ‘હર ઘર તિરંગા’ના લોગોનો ઉપયોગ કરવા પણ જણાવાયુ હતું.
કાર્યક્રમ અંતર્ગત ૧૩ ઓગષ્ટના સ્પેશિયલ ‘‘ત્રિરંગા માર્ચ”નું આયોજન
જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો ઘરો, દુકાનો, ઉદ્યોગ ગૃહો આ કાર્યક્રમમાં સામેલ થઇને રાષ્ટ્રધ્વજ લહેરાવી તેવો અનુરોધ પણ કલેકટરે કર્યો છે. રાષ્ટ્રધ્વજના વેચાણ અને વિતરણ માટે સુવ્યવસ્થિત કેન્દ્રો નકકી કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવાનો આદેશ પણ કલેકટરે કર્યો હતો. “હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે પોલીસ અધિક્ષક દ્વારા તા.૧૩ ઓગષ્ટના સ્પેશિયલ‘‘ત્રિરંગા માર્ચ”નું આયોજન કરાયુ છે. તેમજ તા.૧૪ ઓગષ્ટના આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ, ત્રિરંગા યાત્રા, રેલીના કાર્યક્રમો યોજાશે. તા.૧૫ ઓગષ્ટના સ્વતંત્રતા દિને દેશભકિત-સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સરકારી કચેરીઓ ઉપર ત્રિરંગો લહેરાવવામાં આવશે.
વિવિધ કક્ષાએ અધિકારીઓની સમિતિઓની રચના કરવામાં આવી
આ કાર્યક્રમના સફળ આયોજન માટે જૂનાગઢ જિલ્લામાં મહાનગરપાલિકા કક્ષાની, જિલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની અને નગરપાલિકા કક્ષાની અધિકારીઓની સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમજ સબંધિત અધિકારીઓને વિવિધ કામગીરીઓ સોંપવામાં આવી છે. બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર એલ.બી.બાંભણીયાએ કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરિખ, જિલ્લા પોલિસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટી, ડીસીએફ, પ્રાંત અધિકારીઓ સહિતના તમામ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button