જય સંતોષી મા ફિલ્મના નિર્માતા સતરામ રોહરાનું નિધન, શોલેને રાખી હતી પાછળ
- જય સંતોષી મા ફિલ્મના નિર્માતા સતરામ રોહરાનું 85 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની ફિલ્મે એક સમયે શોલે જેવી બ્લોકબસ્ટરને પણ પાછળ રાખી દીધી હતી
HD ન્યુઝ ડેસ્ક, 20 જુલાઈઃ 1975માં રીલીઝ થયેલી ‘જય સંતોષી મા’ ભારતની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક રહી છે. આ ફિલ્મના નિર્માતા સતરામ રોહરાનું 85 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે. સિંધી સમાજ દ્વારા આ જાણકારી અપાઈ છે. સતરામ રોહરાએ આમ તો ઘણી ફિલ્મો બનાવી હતી, પરંતુ જય સંતોષી મા ફિલ્મની વાત અલગ હતી, તે આજે પણ એક રેકોર્ડ છે.
સિંધી સમાજે આપી જાણકારી
રેડિયો સિંધીના ઈન્સ્ટાગ્રામ પેજ પર સતરામ રોહરાના નિધનની માહિતી આપવામાં આવી છે. રોહરા પરિવાર દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે “અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે પ્રખ્યાત ગાયક અને ફિલ્મ નિર્માતા દાદા સતરામ રોહરાનું 18 જુલાઈ, 2024 ના રોજ નિધન થયું છે. તેમના મહાન આત્માને શાંતિ મળે અને આ મુશ્કેલ સમયમાં ઈશ્વર તેમના પરિવારને શક્તિ આપે. દાદા સતરામ રોહરાનું નિધન એ સિંધી સમાજ માટે મોટી ખોટ છે અને તેમનો શૂન્યાવકાશ કોઈ ભરી શકશે નહીં.”
View this post on Instagram
અનેક ફિલ્મો કરી હતી પ્રોડ્યૂસ
સતરામ રોહરાનો જન્મ 16 જૂન, 1939ના રોજ સિંધ (હાલ પાકિસ્તાનમાં)માં થયો હતો. આઝાદી પછી તેમનો પરિવાર ભારતમાં સ્થાયી થયો. અભ્યાસ પછી તેમણે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને પ્રથમ ફિલ્મ ‘શેરા ડાકુ’ બનાવી જે 1966માં રીલીઝ થઈ હતી. આ પછી તેમણે ‘રોકી મેરા નામ’, ‘ઘર કી લાજ’, ‘નવાબ સાહિબ’ અને ‘જય કાલી’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી.
‘જય સંતોષી મા’નો રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી
વર્ષ 1975માં રીલીઝ થયેલી ફિલ્મ ‘જય સંતોષી મા’ તેમની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. આ ફિલ્મને જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. એટલું જ નહીં, આ ફિલ્મે તે વર્ષની સૌથી મોટી ફિલ્મ ‘શોલે’ને ટક્કર આપી હતી. રમેશ સિપ્પી દ્વારા નિર્મિત ફિલ્મ ‘શોલે’ પણ આ જ સમયગાળા દરમિયાન રીલીઝ થઈ હતી, પરંતુ લોકોએ ‘જય સંતોષી મા’ને એટલો પ્રેમ કર્યો કે તેણે પહેલા દિવસથી જ દર્શકોને બાંધી રાખ્યા હતા.
આ કારણે શોલે રીલીઝ થયાના 4-5 દિવસ સુધી કમાણી કરી શકી ન હતી જેના કારણે મેકર્સને લાગ્યું કે ફિલ્મ ફ્લોપ થઈ ગઈ છે, પરંતુ થોડા દિવસ પછી, શોલેએ વેગ પકડ્યો અને ખૂબ નફો કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, તે સમયે ફિલ્મ ‘જય સંતોષી મા’એ લગભગ 5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે આ ફિલ્મ માત્ર 5 લાખ રૂપિયામાં બની હતી.
આ પણ વાંચોઃ શનિ-રવિમાં ભરપૂર મનોરંજનઃ OTT પર આ મૂવી અને વેબ સિરીઝ થશે રિલીઝ