વડોદરામાં સ્કૂલમાં ચાલુ ક્લાસે દીવાલ પડી, પાંચ વિદ્યાર્થી 10 ફૂટ નીચે પટકાયા
વડોદરા, 20 જુલાઈ 2024, શહેરની નારાયણ વિદ્યાલયમાં અચાનક એક ક્લાસરૂમની દીવાલ ધરાશાયી થતાં વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ચાલુ ક્લાસરૂમમાંથી બેન્ચો સાથે 5 વિદ્યાર્થી 10 ફૂટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથામાં ટાંકા આવ્યા છે. જ્યારે અન્યોને પ્રાથમિક સારવાર અપાયા બાદ વાલીઓ વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું અને વધુ તપાસ હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જ્યારે આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. આ ઘટનામાં પોલીસે હાલમાં ઇજાગ્રસ્ત બાળકના પિતાની જાણવાજોગ ફરિયાદ લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
CCTVએ વિદ્યાલયના સંચાલકોનાં જૂઠાણાંની પોલ ખોલી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલે બપોરે વડોદરામાં નારાયણ વિદ્યાલયની દીવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી, જેના CCTV સામે આવ્યા છે. ચાલુ ક્લાસે જ ક્લાસરૂમની દીવાલ ધરાશાયી થઈ હતી અને 5 વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. આ મામલે શાળા સંચાલકોએ આ દુર્ઘટનાની હકિકત છૂપાવી અને રિસેસ સમયે આ દુર્ઘટના બની હોવાનું જણાવ્યું હતું. સંચાલકોએ માત્ર એક જ વિદ્યાર્થીને ઇજા થઈ હોવાનું જણાવી મીડિયા અને વાલીઓને ગેરમાર્ગે દોર્યા હતા. CCTVએ નારાયણ વિદ્યાલયના સંચાલકોનાં જૂઠાણાંની પોલ ખોલી નાંખી હતી. આ સ્કૂલમાં હાલ 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હાલમાં એક દિવસની રજા જાહેર કરાઈ છે. ત્યારે આ વિદ્યાર્થીઓ હવે ક્યાં ભણશે તે સૌથી મોટો સવાલ છે.
બાળકો નીચે પટકાતા શેડ હોવાથી આબાદ બચાવ થયો
આ દીવાલ ધરાશાયી થઈ તે પહેલાં બાળકો ફર્સ્ટ ફ્લોર એટલે કે કોન્ફરન્સ હોલની ઉપર બેઠા હતા અને પાછળના ભાગે શેડ હતો. દીવાલ ધરાશાયી થયા બાદ બાળકો નીચે પટકાતા શેડ હોવાથી આબાદ બચાવ થયો છે. આ બાળકો 10 ફૂટની ઊંચાઈથી પટકાયા હોવા છતાં માત્ર એક જ બાળકને ઈજા પહોંચી હતી. કપુરાઈ પોલીસે આ મામલે વિદ્યાર્થીના વાલીને જાણવા જોગ ફરિયાદ આધારિત વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનામાં ફાયર અને પોલીસ વિભાગ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. જેમાં ફાયર દ્વારા અગાઉથી જ બીયુ પરમિશન હોવાની વિગતો સામે આવી છે. એક મહિના અગાઉ જ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અપાયું હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચોઃવડોદરામાં 3 વિદેશી વિદ્યાર્થીઓ બાખડ્યા, પાપુઆ ન્યૂ ગિની દેશના વિદ્યાર્થીને છરી મારી