- હુથી વિદ્રોહીઓએ સિંગાપોરના ધ્વજવાળા જહાજ પર હુમલો કર્યો
- સિંગાપોરના મેરીટાઇમ એન્ડ પોર્ટ ઓથોરિટી દ્વારા અપાઈ માહિતી
યરુસલેમ, 20 જુલાઈ : ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયું ત્યારથી યમનના હુથી વિદ્રોહીઓ જહાજોને નિશાન બનાવી રહ્યા છે. અમેરિકા અને બ્રિટન સહિતના ઘણા દેશોએ ખુલ્લી ચેતવણીઓ આપી છે, પરંતુ હુથિઓ તેમના હુમલાઓ અટકાવતા નથી. ત્યારે વિદ્રોહીઓએ ફરી એકવાર એડનની ખાડીમાં સિંગાપોરના ધ્વજવાળા જહાજ પર હુમલો કર્યો. સિંગાપોરના મેરીટાઇમ એન્ડ પોર્ટ ઓથોરિટી (MPA) દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
જહાજ એડનની ખાડીને પાર કરી રહ્યું હતું ત્યારે હુમલો કરાયો
સિંગાપોરની મેરીટાઇમ એન્ડ પોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે તેને એવી માહિતી મળી હતી કે લોબિવિયા જહાજ એડનના અખાતમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના પર હુમલો થયો હતો. જેના કારણે જહાજમાં આગ લાગી હતી. બાદમાં કર્મચારીઓએ આગ બુઝાવી હતી. રિપોર્ટ મુજબ ક્રૂમાં કોઈ સિંગાપોરનો નાગરિક ન હતો અને તમામ સભ્યો સુરક્ષિત છે. જહાજ પર હુમલો થયા બાદ પણ તે સુરક્ષિત રીતે સોમાલિયાના બર્બેરા બંદરે પહોંચ્યું હતું. MPA એ કહ્યું કે તે કોઈપણ સહાય પૂરી પાડવા માટે જહાજ મેનેજરના સંપર્કમાં છે.
આ પણ વાંચો : ‘આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત..!’, માઈક્રોસોફ્ટનું સર્વર ઠપ્પ થતાં ઈન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ
બે મિસાઇલોથી કરાયો હતો હુમલો
દરમિયાન, એક ટેલિવિઝન ભાષણમાં હુથી લશ્કરી પ્રવક્તા યાહ્યા સરિયાએ હુમલાની જવાબદારી લીધી. તેમણે કહ્યું કે જૂથે લોબિવિયા ખાતે બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા. યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ અનુસાર, લોબિવિયા પર બે અલગ-અલગ મિસાઇલો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
કેમ હુથી વિદ્રોહીઓ કરી રહ્યા છે હુમલાઓ ?
તમને જણાવી દઈએ કે, ગાઝામાં ઈઝરાયેલના હુમલાથી મધ્ય પૂર્વ આઘાતમાં છે. મધ્ય પૂર્વે ગાઝામાં થયેલા હુમલા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. આ કારણોસર, હુથી વિદ્રોહીઓ એડનની ખાડીમાં વ્યાપારી જહાજો પર હુમલાઓ કરી રહ્યા છે.
આ પણ વાંચો : હૈતીના દરિયાકાંઠે બોટમાં ભભૂકી ઉઠી આગ, 40 પ્રવાસીઓના મૃત્યુ