- અન્ય ઘણા લોકો થયા ઘાયલ
- ન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશને આપી માહિતી
નવી દિલ્હી, 20 જુલાઈ : હૈતીના દરિયાકાંઠે એક બોટમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં 40 પ્રવાસીઓના મૃત્યુ નિપજ્યા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશને સ્થાનિક સત્તાવાળાઓને ટાંકી આ માહિતી આપી હતી. તેઓએ કહ્યું કે આ અઠવાડિયાની શરૂઆતમાં હૈતીના દરિયાકાંઠે એક બોટમાં આગ લાગતા 40 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જયારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો : આખા દેશમાં કર્ફ્યુ, રસ્તાઓ પર સેના, 50થી વધુના મૃત્યુ અને 2500 ઘાયલ: બાંગ્લાદેશમાં હિંસા!
80થી વધુ લોકોને લઈને બોટ તુર્ક અને કેકોસ ટાપુઓના બંદર લબાડીથી નીકળી હતી
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના ડેપ્યુટી પ્રવક્તા ફરહાન હકે ગઈકાલે શુક્રવારે એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “હૈતીના રાષ્ટ્રીય સ્થળાંતર કાર્યાલયના જણાવ્યા મુજબ, બે દિવસ પહેલા 80થી વધુ લોકોને લઈને બોટ તુર્ક અને કેકોસ ટાપુઓના બંદર લબાડીથી નીકળી હતી.” ઉત્તરી હૈતીમાં કેપ હૈતીયનના દરિયાકાંઠે આ બોટમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જે ઘટનામાં ઓછામાં ઓછા 40 સ્થળાંતર કરનારાઓના મૃત્યુ થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.
ગેંગ વોર ફાટી નીકળ્યા પછી હૈતીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઇ ગઈ
હૈતી ગેંગ હિંસા, તૂટતી આરોગ્ય પ્રણાલી અને આવશ્યક પુરવઠાની અછતનો સામનો કરી રહ્યું છે, જેના પરિણામે ઘણા હૈતીઓ દેશની બહાર જવા માટે જોખમી મુસાફરી કરે છે. આ વર્ષની શરૂઆતમાં, ગેંગ વોર ફાટી નીકળ્યા પછી હૈતીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઇ ગઈ, જેના કારણે તત્કાલીન સરકારને રાજીનામું આપવાની ફરજ પડી. આઇઓએમના ડેટા અનુસાર, ત્યારથી હૈતીથી બોટ દ્વારા સ્થળાંતરના પ્રયાસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી