નવી દિલ્હી, 19 જુલાઈ : ભારતીય ટીમે મહિલા એશિયા કપ 2024માં જીત સાથે શરૂઆત કરી છે. 19 જુલાઈ (શુક્રવાર)ના રોજ રંગિરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતને જીતવા માટે 109 રનનો ટાર્ગેટ હતો જે તેણે માત્ર 14.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ હવે 21 જુલાઈએ ગ્રુપ Aની તેની આગામી મેચમાં UAE સામે ટકરાશે.
ઓપનર સ્મૃતિ મંધાનાએ 45 રન બનાવ્યા
ભારત તરફથી ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ સારી બેટિંગ કરી હતી. સ્મૃતિએ 31 બોલમાં 45 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા સામેલ હતા. જ્યારે શેફાલીએ 29 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 40 રનની ઇનિંગ રમી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 57 બોલમાં 85 રનની ભાગીદારી થઈ હતી, જેના કારણે ભારતની જીત આસાન બની હતી. આ સિવાય ડી.હેમલતાએ 14 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર 5 રન બનાવીને અણનમ અને જેમિમાહ રોડ્રિગ્સ ત્રણ રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. પાકિસ્તાન તરફથી સૈયદા અરુબ શાહે બે અને નશરા સંધુએ એક વિકેટ ઝડપી હતી.
દીપ્તિના નેતૃત્વમાં બોલરોનું શાનદાર પ્રદર્શન
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 19.2 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી સિદ્રા અમીને 35 બોલમાં સૌથી વધુ 25 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા સામેલ હતા. જ્યારે ફાતિમા સનાએ 16 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 22 રનની અણનમ ઇનિંગ રમી હતી. તુબા હસન (22) અને વિકેટકીપર મુનીબા અલી (11) પણ ડબલ ફિગર સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા. પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ અને શ્રેયંકા પાટીલે પણ બે-બે વિકેટ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 15 T20 મેચ રમાઈ છે. આમાં ભારતે 12 મેચ જીતી છે. મહિલા એશિયા કપમાં પણ ભારતનો દબદબો રહ્યો છે. ભારતે પાકિસ્તાન સામે રમાયેલી સાતમાંથી છ મેચ જીતી છે. જોકે, પાકિસ્તાને 2022માં સિલ્હટમાં રમાયેલ છેલ્લી એશિયા કપમાં એકમાત્ર મેચ જીતી હતી.
ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન: સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, દયાલન હેમલતા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, રેણુકા ઠાકુર સિંહ.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: સિદ્રા અમીન, ગુલ ફિરોઝા, મુનીબા અલી (વિકેટકીપર), નિદા દાર (કેપ્ટન), આલિયા રિયાઝ, ઈરમ જાવેદ, ફાતિમા સના, તુબા હસન, સાદિયા ઈકબાલ, નશરા સંધુ, સૈયદા અરુબ શાહ.
ઉલ્લેખનીય છે કે મહિલા એશિયા કપ 19 થી 28 જુલાઈ સુધી શ્રીલંકાના દામ્બુલામાં યોજાઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. વર્તમાન ચેમ્પિયન ભારતને પાકિસ્તાન, નેપાળ અને UAEની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. બીજા ગ્રુપમાં બાંગ્લાદેશ, મલેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. અગાઉની આવૃત્તિમાં માત્ર 7 ટીમોએ ભાગ લીધો હતો.