સુરતમાં ડમ્પર ચાલકો બેફામ બન્યાંઃ પિતા સાથે બાઈક પર જતા વિદ્યાર્થીને કચડ્યો
સુરત, 19 જુલાઈ 2024 શહેરમાં ગઈકાલે L&T કંપનીના ગેટ સામે ગત રાતે રોંગ સાઈડે પૂરઝડપે જઈ રહેલા ડમ્પર ચાલકે શેલ કંપનીની સિક્યોરિટી એજન્સીની બસને ટક્કર મારી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે હવે બાઈક પર પિતા સાથે જઈ રહેલા ધોરણ 10ના વિદ્યાર્થીને ડમ્પરે કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકો દ્વારા ડમ્પરના ચાલકને ઝડપી પોલીસને હવાલે કરી દીધો હતો.
બાઇક પરથી પિતા અને પુત્ર બંને રોડ પર પટકાઈ ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ડીંડોલી વિસ્તારમાં તુકારામ યાદવનો 15 વર્ષીય પુત્ર સાહિલ હાલ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો છે. સાહિલ લિંબાયત નીલગીરીની સાર્વજનિક સ્કૂલમાં મરાઠી માધ્યમમાં અભ્યાસ કરતો હતો.આજે સવારે સાહિલ અને તેના પિતા તુકારામ બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા. પિતા-પુત્ર બાઈક પર સાંઈ પોઇન્ટથી નવાગામ જતા બ્રિજ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. ડમ્પરની ટક્કરના કારણે બાઇક પરથી પિતા અને પુત્ર બંને રોડ પર પટકાઈ ગયા હતા.સાહિલ રોડની વચ્ચેની સાઈડ પટકાયો હતો. જેથી તેના પર ડમ્પર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. તેના પિતા ડિવાઈડરની સાઈડ પટકાવવાના કારણે બચી ગયા હતા.
ડમ્પર ચાલકની અટકાયત કરી લેવામાં આવી
આ અકસ્માતની જાણ થતા જ પોલીસ અને ઈમરજન્સી સેવા 108 ઘટના સ્થળે પહોંચી હતી.બ્રિજ પર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ડીંડોલી પોલીસ દ્વારા આ ડમ્પર ચાલકની અટકાયત કરી લેવામાં આવી હતી અને ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. 15 વર્ષીય દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોતાના દીકરાનું પોતાની જ નજર સામે મોતના પગલે ઘટના સ્થળે માતા-પિતાના હૈયાફાટ રૂદનથી શોકનો માહોલ ફેલાયો હતો. અકસ્માત સ્થળેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ડિંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ કરી છે.
આ પણ વાંચોઃસુરતમાં રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બસને ટક્કર મારીઃ 16 લોકો ઇજાગ્રસ્ત