અમદાવાદ, 19 જુલાઈ 2024, ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકરોએ ગુજરાતમાં કથળતી શિક્ષણ વ્યવસ્થા સામે હલ્લાબોલ કર્યો હતો. જેમાં GCAS લઈને વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ, તેમજ સમય વીતતા સરકાર દ્વારા કોલેજની સ્નાતકની બેઠકોમાં તેમજ 1998 પછી અંગ્રેજી માધ્યમમાં એક પણ ગ્રાન્ટેડ નવી કોલેજની મંજૂરી નથી મળી. જેને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાના નેતૃત્વમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાને રજૂઆત કરવામાં આવી હતી.
1998 બાદ એક પણ ગ્રાન્ટેડ કોલેજને મંજૂરી નથી મળી
કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કેગુજરાત યુનિવર્સિટીનો ભવ્ય ઇતિહાસ અને વારસા હતો ત્યારે હાલની યુનિવર્સિટીની હાલત દુઃખદ અને ગંભીર છે. ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા બે દશકથી આર્ટસ ફેકલ્ટીમાં સ્નાતક કક્ષાએ અંગ્રેજી માધ્યમમાં ગ્રાન્ટ ઇન એડમાં માત્ર ૪૦૦ બેઠક છે જ્યારે કુલ બેઠક ૧૪૫૦૦ છે જે ટકાવારીમાં માત્ર ૨.૭૫% થાય છે. ૧૯૯૮ના વર્ષ બાદ એક પણ નવી ગ્રાન્ટ ઈન એડ સંસ્થાને મંજૂરી મળેલ નથી ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં ભણવાનો અધિકાર જ ના હોય તેમ પરિસ્થિતિ ઊભી થઈ ગયી છે. તેથી અંગ્રેજી માધ્યમની સ્નાતકની બેઠકમાં વધારો માંગવામાં આવ્યો હતો. પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ આવશે તો શું તેમને ભણવાનો અધિકાર ના હોય તેવી પરિસ્થિતિ ઊભી થશે તો શું ? જે વિષય માં વધુ ડિમાન્ડમાં હોય ત્યાં સીટો વધારવાની માંગ મૂકવામાં આવી હતી.
GCAS પોર્ટલ ખાનગી યુનિવર્સિટીને લાભ કરાવવા માંગે છે
GCAS મુદ્દે સરકાર અને તંત્રને ઘેરતા, સવાલ કર્યા હતા કે આ પોર્ટલ જાણે ખાનગી યુનિવર્સિટીને લાભ કરાવવા માંગતા હોય તેવું હોય લાગે છે. પોર્ટલના લીધે જે પ્રમાણે પ્રવેશના ધાંધિયા થયા છે તેના લીધે ગરીબ મધ્યમ વર્ગના પરિવારોએ ખાનગી યુનિવર્સિટીમાં ઊંચી ફીમાં બાળકોને ભણાવવા મજબૂર થયા છે. આજે ઊંચા મેરીટવાળા અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે તેની માહિતી વેબસાઈટ પર મૂકવા માંગ કરી હતી અને અનામતની બેઠકમાં વ્યવસ્થિત અમલીકરણ થયું છે કે નહિ તેની તપાસ થવી જોઈએ અને તે બેઠકોની માહિતી વેબસાઈટ પર મૂકવી જોઈએ તેવી માંગ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાએ જ્યાં જરૂર હોય તેવા ડિપાર્ટમેન્ટમાં સંખ્યા વધારવાની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃગુજરાત: હાઈસ્કૂલમાં 9 હજાર શિક્ષકોની જગ્યા ખાલી, જ્ઞાન સહાયકની નવી ભરતી ખોરંભે