કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

પોરબંદરમાં 18 ઈંચ વરસાદઃ મકાનોમાં પાણી ઘૂસ્યા, રેલવે ટ્રેક ધોવાઈ જતા 8 ટ્રેન રદ

પોરબંદર, 19 જુલાઈ 2024, ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં ગઈકાલે બપોરે 12થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવાં દૃશ્યો સામે આવ્યાં છે. ભારે વરસાદને કારણે પશુઓ તણાયા છે અને વાહનો ડૂબ્યાં છે. બીજી તરફ ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યાં છે. રેલ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. પોરબંદર શહેરમાં વરસાદે તારાજી સર્જી અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે. શહેર અને ગામડામાંથી કુલ 11 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. એમ.જી. રોડ, છાયાચોકી રોડ, સુદામાચોક સહિતના વિસ્તારોમાં ઘૂટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

 

વરસાદને પગલે 11 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા
પોરબંદર પર આભ ફાટ્યું હોય તેમ ગઈકાલે બપોરે 12 થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલે ગુરુવારે સાંજના ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને આખી રાત ગાજવીજ સાથે વરસાદ પડતાં પોરબંદર પાણીમાં ડૂબી ગયું હતું. મુખ્ય માર્ગો અને અનેક વિસ્તારો તેમજ સોસાયટીમાં પાણી ઘૂસી ગયાં હતાં. જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં ભારે વરસાદને પગલે 11 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

વરસાદ અને મીની વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થયા
પોરબંદરના રાણાવાવમાં 9 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ, ભારવાડાના વાડી વિસ્તારમાંથી 7 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી 2 લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે. વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર શહેરનો એમ.જી રોડ બેટમાં ફેરવાયો છે. ભારે વરસાદથી દુકાનોમાં પાણી ફરી વળે તેવી શક્યતા જોવા મળી રહી છે. અતિભારે વરસાદ અને મીની વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે.

રેલ વ્યવહારને અસર થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
પોરબંદર શહેરમાં બંધ થયેલા રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. અનેક સ્થળે હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે.વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનલુસ સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે. 3 ટ્રેન રદ કરવામા આવી છે. 3 ટ્રેન આંશિક રદ થઈ છે, જ્યારે 2 ટ્રેનના સમયમા ફેરફાર કરવામા આવ્યો છે. રેલ વ્યવહારને અસર થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ

Back to top button