ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓની સીધી અસર સામાન્ય જનતા પર પડે છે: હાઇકોર્ટ

  • હાઇકોર્ટે પોલીસ તંત્રમાં ભરતી અંગે નક્કર પગલાં લેવા સાથે બ્લુ પ્રિન્ટ રજૂ કરવા ગૃહ સચિવને હુકમ કર્યો
  • પોલીસ ભરતી બોર્ડ છે તેના જે ચાર સભ્યો છે તેની હજી સુધી નિમણૂક કરવામાં આવી નથી
  • રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડનું ગઠન નહીં થયું હોવા છતાં ડીજીપી કક્ષાના અધિકારીની ચેરમેન તરીકે નિમણૂક

ગુજરાત પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓની સીધી અસર સામાન્ય જનતા પર પડે છે તેમ હાઇકોર્ટે જણાવ્યું છે. કોમી તોફાનોમાં જાહેર મિલકત-જાનમાલને નુકસાન અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે HCમાં સુનાવણી થઇ હતી. જેમાં રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડનું ગઠન નહીં થયું હોવા છતાં ડીજીપી કક્ષાના અધિકારીની ચેરમેન તરીકે નિમણૂક કરી છે. ત્યારે હાઇકોર્ટ જણાવ્યું છે કે અડધી જગ્યાઓ પર જ ભરતી પ્રક્રિયા કરવી એ પ્રજાના નાણાંનો વ્યય છે. તેમજ પોલીસની-ભરતી પ્રક્રિયા અંગે નક્કર પગલાં લેવા સાથે બ્લૂ-પ્રિન્ટ રજૂ કરવા હાઇકોર્ટ હુકમ કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ 

હાઇકોર્ટે પોલીસ તંત્રમાં ભરતી અંગે નક્કર પગલાં લેવા સાથે બ્લુ પ્રિન્ટ રજૂ કરવા ગૃહ સચિવને હુકમ કર્યો

કોમી તોફનો દરમ્યાન જાહેર મિલ્કત અને જાનમાલને થતા નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓમોટો પીઆઇએલમાં ખાલી જગ્યાઓ અને ભરતીમાં ઉદાસીનતા મામલે ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજય સરકારને માર્મિક ટકોર કરી હતી કે, રાજય પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓની સીધી અસર સામાન્ય જનતા પર પડે છે. હાઇકોર્ટે પોલીસ તંત્રમાં ભરતી અંગે નક્કર પગલાં લેવા સાથે બ્લુ પ્રિન્ટ રજૂ કરવા ગૃહ સચિવને હુકમ કર્યો હતો.

સરકારને છેલ્લી તક આપી વધુ સુનાવણી તા.26 જૂલાઇએ રાખી

ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ગૃહ વિભાગના સોગંદનામાને અસ્પષ્ટ અને અધૂરી વિગતો સાથેનું જણાવતાં સરકારપક્ષ તરફ્થી સ્પષ્ટ અને યોગ્ય સોગંદનામું રજૂ કરવા સમય માંગવામાં આવતાં હાઇકોર્ટે સરકારની આકરી ટીકા કરતાં જણાવ્યું કે, સરકાર હાઇકોર્ટની ધીરજની પરીક્ષા લેવાનું બંધ કરે, જો સરકાર દ્વારા યોગ્ય રીતે જવાબ આપવામાં નહીં આવે તો પછી હાઇકોર્ટ ગૃહ વિભાગના સચિવ સામે અદાલતના તિરસ્કારની નોટિસ કાઢી અને કાર્યવાહી કરશે. હાઇકોર્ટે સરકારના સત્તાવાળાઓની એ મુદ્દે પણ ઝાટકણી કાઢી હતી કે, રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડનું ગઠન નહીં થયું હોવા છતાં ડીજીપી કક્ષાના અધિકારીની ચેરમેન તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે. જ્યારે પોલીસ ભરતી બોર્ડ છે તેના જે ચાર સભ્યો છે તેની હજી સુધી નિમણૂક કરવામાં આવી નથી. અદાલતે એવી પણ કટાક્ષ કરી હતી શું આ નિમણૂક હવામાં કરવામાં આવી છે કારણ કે બોર્ડનું અસ્તિત્વ તો છે જ નહીં તો કેવી રીતે ચેરમેનનું નિમણૂક થઈ શકે ? આ તમામ બાબતોની હાઇકોર્ટે ગંભીર નોંધ લઈ અને સરકારને છેલ્લી તક આપી વધુ સુનાવણી તા.26 જૂલાઇએ રાખી હતી.

Back to top button